Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બ્રાન્‍ડ ફેકટરી શોરૂમને પેપર બેગના પૈસા લેવાનું ભારે પડયુ! ગ્રાહક ફોરમે બેગના રૂા. ૧૦ની સામે ૫૦૦નો દંડ ફટકાર્યો

રાજકોટ,તા.૯: રાજકોટના રેસકોર્ષ રોડ ઉપર રહેતા સમીરભાઈ શેઠ પરીવાર સાથે ધરમસીનેમાની બાજુમાં આવેલ ‘બ્રાન્‍ડ ફેકટરી'ના શોરૂમમાં ખરીદી કરવા ગયા ત્‍યારે લીધેલ વસ્‍તુ ઉપરાંત પેપર બેગના રૂા. ૧૦/- અલગથી વસુલતા ‘બ્રાન્‍ડ ફેકટરી'ની તાનાશાહી સામે રાજકોટની ગ્રાહક અદાલતમાં ફરીયાદ દાખલ થતાં ગ્રાહક અદાલતે કડક રૂપ અપનાવી ‘બ્રાન્‍ડ ફેકટરી' ને રૂા. ૧૦/-ની બેગની સામે રૂા. પ૦૦૦/- નો દંડ ફટકારતા અપ્રમાણીક વેપાર નિતી અપનાવતા શોરૂમ ધારકોમાં ડરની લાગણી ફેલાઈ ગઈ છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના રેસકોર્ષ રોડ ઉપર રહેતા અને કન્‍સલન્‍ટન્‍ટનો વ્‍યવસાય કરતા સમીરભાઈ શેઠ તા.ર૯/૦૮/ર૦ર૦ ના રોજ પોતાના પરીવાર સાથે બ્રાન્‍ડ ફેકટરીના શોરૂમમાં ખરીદી કરવા ગયેલ હતા અને કુલ રૂા. ૩,૩૦૪/- નાં કપડાની ખરીદી કરેલી અને જયારે તેઓ બીલ કાઉન્‍ટરે બીલની રકમ ચુકવવા ગયેલ ત્‍યારે રૂા. ૩,૩૦૪/- કાયદેસરના ચુકવવા થતા હતા તેની બદલે શોરૂમના સંચાલક દ્વારા પેપર કેરી બેગના રૂા. ૧૦/- અલગથી ચાર્જ લાગશે તેવું જણાવેલ ત્‍યારે ફરીયાદીએ પેપર કેરી બેગ ફરીયાદીને ફ્રીમાં આપવા જણાવેલ પરંતુ શોરૂમ સંચાલકે પેપર કેરી બેગની રકમ બીલમાં અલગથી વસુલ કરેલ હતી જે બાબતથી નારાજ થઈ ફરીયાદીએ બીજા લોકો ન છેતરાય તે ભાવનાથી ગ્રાહક ફોરમમાં ફરીયાદ કરેલ હતી.

ફરીયાદી સમીરભાઈએ રાજકોટના જાણીતા ધારાશાસ્‍ત્રી તુષાર ગોકાણી અને હાર્દિક શેઠ મારફતે ફરીયાદ કરી એવી રજુઆત કરેલ હતી કે ફરીયાદી તે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ-ર૦૧૯ અન્‍વયે ગ્રાહકની પરીભાષામાં આવનાર વ્‍યકિત છે અને બ્રાન્‍ડ ફેકટરી શોરૂમ દ્વારા અલગથી પેપર કેરી બેગનો ચાર્જ કરવામાં આવેલ તે કાયદાકીય રીતે ‘અનફેર ટ્રેડ પ્રકટીસ' એટલે કે ગેરવ્‍યાજબી ધંધાકીય રીતીની પરીભાષામાં આવે છે અને આવી નિતી અપનાવી દેશભરમાં લાખો લોકો પાસેથી પેપર બેગના પૈસા ઉઘરાવતા રોજના લાખો-કરોડો રૂપીયા ઉઘરાવવામાં આવે છે.

બન્‍ને પક્ષોની લેખીત તથા મૌખીક દલીલ સાંભળ્‍યા બાદ ગ્રાહક સુરક્ષા ફોરમ પોતાના ચુકાદામાં એવા નિષ્‍કર્ષ પર આવેલ હતી કે બ્રાન્‍ડ ફેકટરીને પેપર કેરી બેગના રૂા. ૧૦ અલગથી વસુલવા હકકદાર હોવા અંગે કોઈ કાનૂની આધાર કે રૂલ્‍સ કે રેગ્‍યુલેશન રજૂ કરેલ નથી અને ગ્રાહકોનો અનુભવ કેવો છે કે આવા મોટા શોરૂમમાં ગ્રાહકને પોતાની કેરી બેગ લઈને પ્રવેશ આપવામાં આવતો નથી ત્‍યારે ફરીયાદી દ્વારા રજૂ કરવામાં આવેલ દલીલો તથા વિવિધ ચૂકાદાઓ માન્‍ય રાખી ફરીયાદીને પેપર કેરી બેગના રૂા. ૧૦ વાર્ષિક ૬% ના વ્‍યાજ સાથે પરત ચુકવવા અને ફરીયાદીને ખર્ચ પેટે રૂા.પ૦૦૦ અલગથી ચૂકવી આપવાનો આદેશ ફરમાવેલ હતો.

આ કામમાં ફરીયાદી તરફે એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, ઉઝેર કુરેશી રોકાયેલ હતા.

(10:09 am IST)