Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

૯ બેંક યુનિયનો હડતાળના મુડમાં : તારીખ પણ નક્કી : સતત ૩ દિવસથી ગ્રાહકોને મુશ્‍કેલી !

પેન્‍શન સહિતના અનેક મુદ્દાઓને લઇને હડતાળ પર જવાની ધમકી આપી : હડતાળની તારીખ ૨૭ જૂન, સોમવાર નક્કી કરવામાં આવી છે

નવી દિલ્‍હી,તા.૯: જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ જૂનના અંતિમ સપ્તાહમાં હડતાળ પર જઈ શકે છે. હકીકતમાં, નવ બેંક યુનિયનોની સંયુક્‍ત સંસ્‍થા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્‍સ (UFBU) એ હડતાળ પર જવાની ધમકી આપી છે. હડતાળની તારીખ ૨૭ જૂન, સોમવાર નક્કી કરવામાં આવી છે.

સળંગ ૩ દિવસ સુધી અસરઃ હડતાળની સ્‍થિતિમાં ગ્રાહકોએ શુક્રવાર, ૨૪ જૂન સુધીમાં તેમનું મહત્ત્વનું કામ પૂરું કરવું પડશે. આ પછી, ૨૫ જૂન મહિનાનો ચોથો અને છેલ્લો શનિવાર છે, આ દિવસે મોટાભાગની બેંકોમાં કામ થવાની સંભાવના નથી. ૨૬ જૂને રવિવાર છે, જે સાપ્તાહિક રજા છે. તે જ સમયે, ૨૭ જૂન સોમવાર છે, તે જ દિવસે હડતાલની ચેતવણી આપવામાં આવી છે.

શું છે માંગઃ ઓલ ઈન્‍ડિયા બેંક એમ્‍પ્‍લોઈઝ એસોસિએશન (AIBEA)ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે UFBUની બેઠક બાદ જણાવ્‍યું હતું કે તેમની માંગણીઓમાં તમામ પેન્‍શનરો માટે પેન્‍શન સ્‍કીમમાં સુધારા અને નેશનલ પેન્‍શન સ્‍કીમ નાબૂદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ બેંક કર્મચારીઓ માટે જૂની પેન્‍શન યોજના પુનઃસ્‍થાપિત કરવાનો પણ સમાવેશ થાય છે.

ઓલ ઈન્‍ડિયા બેંક ઓફિસર્સ કોન્‍ફેડરેશન (AIBOC)ના જનરલ સેક્રેટરી સૌમ્‍યા દત્તાએ કહ્યું કે દેશભરના લગભગ સાત લાખ કર્મચારીઓ હડતાળમાં જોડાશે.

UFBU હેઠળના નવ બેંક યુનિયનોમાં ઓલ ઈન્‍ડિયા બેંક ઓફિસર્સ કોન્‍ફેડરેશન (AIBOC), ઓલ ઈન્‍ડિયા બેંક એમ્‍પ્‍લોઈઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ (NOBW)નો સમાવેશ થાય છે.

(10:12 am IST)