Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

છૂટાછેડા લેનાર બહેનની તકલીફો પ્રત્‍યે મૂકપ્રેક્ષક ન બની શકે ભાઈ : કરવી પડે બધી મદદ

દિલ્‍હી હાઈકોર્ટે ભાઈ-બહેનના સંબંધો પર એક મહત્‍વની ટીપ્‍પણી કરીને ભાઈને દિશા દેખાડી : છૂટાછેડાવાળી બહેનની મદદ કરવાની ભાઈની ફરજ : છૂટાછેડા લીધેલી બહેનને આશ્રિત ન ગણી શકાય તે કેસમાં ચુકાદો બહેનની તકલીફો દૂર કરવાની પણ ભાઈની ફરજ

નવી દિલ્‍હી તા. ૯ : દિલ્‍હી હાઈકોર્ટે ભાઈ-બહેનના સંબંધને લઈને એક મહત્‍વપૂર્ણ ટીપ્‍પણી કરીને છૂટાછેટા લીધેલી બહેન માટે ભાઈએ શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપ્‍યું છે.

મહિલાએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે તેના પૂર્વ પતિની છૂટાછેડા લીધેલી બહેનને આશ્રિત ન ગણી શકાય. આ દાવાને ‘પાયાવિહોણા' ગણાવતા જસ્‍ટિસ સ્‍વર્ણકાંત શર્માએ કહ્યું કે  જયારે બહેનને મદદની આશા હોય ત્‍યારે ભાઈ તેની આવી તકલીફોની ઉપેક્ષા ન કરી શકે એટલે કે ભાઈ તેની તકલીફો પ્રત્‍યે મૂકપ્રેક્ષક બનીને ઊભો ન રહી શકે.

કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે જીવનના સુવર્ણ દિવસોમાં બાળકોની ફરજ છે કે તેઓ તેમના વૃદ્ધ માતાપિતાની સંભાળ રાખે. જસ્‍ટિસ સ્‍વર્ણકાંતે એવું જણાવ્‍યું કે છૂટાછેડા લીધેલી બહેનને આશ્રિત ન ગણી શકાય તેવી ધારણા ખોટી છે. ભારતમાં ભાઈ-બહેનના સંબંધો અને એકબીજા પરની તેમની નિર્ભરતા હંમેશા આર્થિક ન પણ હોય, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જરૂરિયાતના સમયે, બહેનો અથવા ભાઈઓ એકબીજાને છોડશે નહીં અથવા એકબીજાને અવગણશે નહીં, ઙ્કતેમણે ઉમેર્યું હતું કે ભારતીય સંસ્‍કૃતિ પરિવારના સભ્‍યો વચ્‍ચે એકતાને પ્રોત્‍સાહન આપે છે. હાઇકોર્ટે કહ્યું કે પરિવારના સભ્‍યોના એકબીજા પ્રત્‍યેના લગાવને કારણે તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એકબીજા માટે મજબૂતીથી ઉભા રહે છે.

દિલ્‍હી હાઈકોર્ટના જસ્‍ટિસે એવું પણ કહ્યું કે બહેનને તેના પતિ પાસેથી ભરણપોષણ મળે છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ ભાઈ જયારે જરૂર હોય ત્‍યારે ચૂપચાપ પોતાની બહેનની તકલીફોને જોઈ ન શકે અને તેને બહેનને નાણાકીય મદદ આપવી પડશે. જસ્‍ટિસે એવું કહ્યું કે પુત્ર / પુત્રીની પણ ફરજ છે કે તે તેના જીવનના સુવર્ણ દિવસોમાં તેના માતાપિતાની સંભાળ રાખે. જસ્‍ટિસે કહ્યું કે ભાઈ-બહેનના સંબંધમાં, એકબીજાની સંભાળ લેવાની ઊંડી લાગણી હોય છે. ભારતના તહેવારો, નિયમો અને પરંપરાઓ એકબીજાની સંભાળ રાખવા, પ્રેમાળ અને એકબીજાની જવાબદારી લેવા માટે પ્રોત્‍સાહિત કરે છે, ‘અરજદારે વિનંતી કરી હતી કે, તેના ભૂતપૂર્વ પતિ દ્વારા તેને આપવામાં આવતા ભરણપોષણમાં વધારો કરવામાં આવે. અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, આ વ્‍યક્‍તિને ૭૯ વર્ષીય પિતા, એક છૂટાછેડા લીધેલી બહેન, બીજી પત્‍ની અને એક પુત્રી છે જે તેના પર નિર્ભર છે.' 

(10:24 am IST)