Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નુપુર શર્મા સહિત ૯ લોકો સામે ભડકાઉ ભાષણ આપવા બદલ ફરિયાદ

દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલે પયગંબર સાહેબ વિરૂદ્ધ ટિપ્‍પણી કરીને ચર્ચામાં આવેલા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્‍તા નુપુર શર્મા સહિત ૯ લોકો વિરૂદ્ધ કેસ નોંધ્‍યો છે

નવી દિલ્‍હી તા. ૯ : દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલે પયગંબર સાહેબ વિરૂદ્ધ ટિપ્‍પણી કરીને ચર્ચામાં આવેલા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્‍તા નુપુર શર્મા સહિત ૯ લોકો વિરુદ્ધ કેસ નોંધ્‍યો છે. એફઆઇઆર સ્‍પેશિયલ સેલના સાયબર યુનિટને નોંધવામાં આવી છે. આ તમામ લોકો પર અલગ-અલગ ધર્મો વિરૂદ્ધ અભદ્ર ટિપ્‍પણી કરીને વાતાવરણ બગાડવાનો આરોપ છે.
નુપુર શર્મા ઉપરાંત સાયબર યુનિટે ભાજપના પૂર્વ પ્રવક્‍તા નવીન કુમાર જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફતી નદીમ, અબ્‍દુલ રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને પૂજા શકુન સામે પણ કેસ નોંધ્‍યો છે. કેસ નોંધ્‍યા બાદ હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે નુપુર શર્માએ એક ટીવી ડિબેટમાં પયગંબર સાહેબ મોહમ્‍મદ પર વિવાદિત ટિપ્‍પણી કરી હતી. આ પછી વિવાદ ઘણો વધી ગયો. આરબ દેશોએ પણ નૂપુર શર્માની ટિપ્‍પણીની નિંદા કરી હતી. ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્‍પેન્‍ડ કરી દીધા છે. ભાજપ દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્‍યો છે જેમાં કહેવામાં આવ્‍યું છે કે આ પ્રકારની ટીપ્‍પણીઓ ભાજપના મૂળ વિચારની વિરૂદ્ધ છે.પાર્ટીમાંથી સસ્‍પેન્‍ડ થયા બાદ નુપુર શર્માએ પોતાની ટિપ્‍પણી બદલ માફી માંગી હતી. તેમણે કહ્યું, હું મારા શબ્‍દો પાછા લઉં છું.  મારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો, જો મારા શબ્‍દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્‍દો પાછા લઉં છું.
નુપુર શર્માને આ મામલે  ધમકીઓ મળતી હોવાથી  દિલ્‍હી પોલીસે નુપુર શર્માને સુરક્ષા પૂરી પાડી હતી. નુપુર શર્માએ દિલ્‍હી પોલીસને ફરિયાદ કરી હતી કે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પછી દિલ્‍હી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તેમજ દિલ્‍હી પોલીસે નુપુર શર્મા અને તેના પરિવારની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો હતો.

 

(12:18 pm IST)