Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

રમુજની છોળો વચ્‍ચે પણ ‘અકિલા' છવાયુ

અભિનય પ્રયોગના દ્રશ્‍યમાં સંજય ગોરડીયાને છાપુ વાંચતા બતાવાય અને સમાચારોની વિશ્વસનીયતા પર પ્રકાશ પાડવાનો સુપેરે પ્રયાસ થયો

રાજકોટ : વૈવિધ્‍ય સભર કાર્યક્રમો પીરસવાના ભાગરૂપે ‘કોકટેલ દેસી-૩'માં અભિયનય પ્રયોગ રજુ થયો ત્‍યારે હાસ્‍ય અભિનેતા સંજય ગોરડીયા હાથમાં ‘અકિલા' લઇને બેસે છે અને સમાચારોની તડાફડી શરૂ કરે છે. કયા સમાચારો પર વિશ્વાસ કરવો એ બાબત પર રમુજી ટકોર કરતા સંજય ગોરડીયા ખુદ એવુ વાકય ઉચ્‍ચારે છે કે ‘અકિલામાં આવ્‍યુ એટલે ૧૦૦% સાચુ જ હોય'. મતલબ વાચકોના દિલમાં ‘અકિલા'ની વિશ્વસનીયતા દર્શાવવા અહીં પ્રયાસ થયો હતો.
હાસ્‍ય સમ્રાટ સંજય ગોરડીયાએ સુંદરમજાની કૃતિ રજૂ કરી હતી . તેમણે અર્કિલા ન્‍યુઝ પેપર સમાચારોના  હેડિંગ વાંચ્‍યા બાદ કહ્યુ કે ‘અકિલા'માં આવ્‍યુ તો સાચુ જ હશે.
તેમણે રમુજમાં કહ્યુ કે હું નાનપણમાં નાનો હતો. (હાઇટમાં) એક દિવસ મારા બા બાપુજીએ ઐતિહાસીક નિર્ણય કર્યો મને સારામાં સારી સ્‍કૂલમાં બેસાડવાનો મને સ્‍કુલમાં બેસાડયા બાદ એ શાળાની પ્રતિષ્‍ઠા એવી રહી ન હતી. બા-બાપુજી મને ધકકો મારીને સ્‍કૂલે મોકલતા, જયારે શિક્ષકો મને ધકકો મારીને પરત મોકલતા.
મને એક દિવસ શિક્ષકે પ્રશ્ન પુછયો તને ઘરેથી ૩ કેળા અને સ્‍કૂલમાંથી બે કેળા આપે તો કેટલા કેળા થાય? મે કહ્યુ ચાર, ફરી એ જ પ્રશ્ન પુછયો ફરી મે જવાબ આપ્‍યો ચાર. પછી બીજો પ્રશ્ન પુછયો કે તને ઘરેથી ત્રણ સફરજન અને બે સફરજન  સ્‍કૂલેથી આપે તો કેટલા સફરજન થાય? મે કહ્યુ પાંચ. ફટાક  દઇને શિક્ષકે મને લાફો ચોડી દીધો. મે કહ્યુ મને રસ્‍તામાં ભુખ લાગી એટલે મે એક કેળુ ખાઇ લીધુ તો ચાર કેળા જ વધેને. એ લાફાની અસરથી મને માર ખાવાનો ડર જતો રહ્યો.
હુ સ્‍કૂલે જાવ ત્‍યારે રસ્‍તામાં મારી બાજુમાંથી ફાયરબ્રીગેડના બંબા નિકળે ત્‍યારે ધ્રાસકો લાગતો કે સ્‍કૂલમાં આગ તો નહિ લાગી હોય ને એટલે ૪-૬ મહિનાનુ વેકેશન. આવી કલ્‍પના કરતો પણ સ્‍કૂલને અડીખમ નિહાળતા મારા સપના ચકના ચુર થઇ જતા.
મને શાળામાં સૌથી વધુ ગમે શાળાનો પટાવાળો જેનુ નામ રામ ગોપાલ. તેનામાં રામ અને ગોપાલ એમ બન્નેના દર્શન થતા શાળાનો ઘંટ વાગે સંભવામી યુગે યુગે નો નાદ વાગવા લાગે. આમ, નાનપણમાં ખૂબ તોફાની હતો. સ્‍કૂલ એમ ઇચ્‍છે કે ઘરે રહે અને વાલીઓ એમ ઇચ્‍છે કે સ્‍કૂલે રહે. તે સમયના અમિતાભ બચ્‍ચન, હેમામાલીની, ગબ્‍બર જેવા કલાકારો મારા મોટીવેશનલ સ્‍પીકર હતા.
અમારા વર્ગના શિક્ષક જેનુ નામ બાલાભાઇ જયારે વર્ગમાં પ્રવેશે ત્‍યારે કહે મે તારી હાજરી પુરી લીધી છે હવે તમે જઇ શકો છો. મે એક દિવસ બાલાભાઇને કહ્યુ ગુરૂપૂર્ણીમાંએ મારે તમને ભેટ આપવી છે તો સાહેબે કહ્યુ કે બહાર કોઇને કહેતો નહી કે મે તને ભણાવ્‍યો છે.
ધો. ૯ સુધી ફુલીપાસ થયો છુ. જો કોઇ વિષયમાં ૩૭-૩૮ માકૂ આવેતો વિચાર આવતો કે થોડી વધુ મહેનત થઇ ગઇ.એસ.એસ.સી.માં પ્રથમ પ્રયત્‍ને પાસ થઇ ગયો. બા અને મામાએ પેંડા વહેચ્‍યા.મારા બાપાએ કહ્યુ શાંત રહો એસ.એસ.સી.વાળા થોડો સુધારો લાવશે.

 

(1:34 pm IST)