Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઇંગ્‍લેન્‍ડમાં હોસ્‍પીટલ અને દવાખાનાઓમાં ફરજીયાત માસ્‍ક પહેરવાનો નિયમ રદઃ જે તે સંસ્‍થા પોતાની રીતે નકકી કરી શકશે નિયમ

લંડન તા. ૯: ઇંગ્‍લેન્‍ડના આરોગ્‍ય વિભાગે આજે કહ્યું છે કે, ઇંગ્‍લેન્‍ડમાં હોસ્‍પીટલો અને દવાખાનાઓમાં માસ્‍ક પહેરવાનો કાયદો રદ કરી દેવાયો છે. કોરોના મહામારીના કારણે બે વર્ષથી પણ વધારે સમયથી આ નિયમ અમલમાં હતો. હવે માસ્‍ક પહેરવા બાબતે જે તે સંસ્‍થા પોતાની રીતે નિયમ નક્કી કરી શકશે.
કેટલાક જનરલ પ્રેકટીશનરો અને આરોગ્‍ય કેન્‍દ્ર પ્રવેશની વખતે માસ્‍ક પહેરી રાખવો તેવું લખેલા બોર્ડ હટાવી દીધા છે પણ હજુ ઘણી જગ્‍યાએ અંદર પ્રવેશતી વખતે પેશન્‍ટો અને સ્‍ટાફે માસ્‍ક પહેરવાની સુચનાઓ જોવા મળી રહી છે.
એનઅચેએસ ઇંગ્‍લેન્‍ડે દરેક આરોગ્‍ય સંસ્‍થાઓને પત્ર લખીને સંક્રમણ અંગેના નવા દિશા નિર્દેશોની જાણ કરી છે. જેમાં મોટા ભાગના નિયમો મહામારી પહેલાના કરી નાખ્‍યા છે. પત્રમાં લખાયું છે કે જનરલ પ્રેકટીશનર કે હોસ્‍પીટલમાં ઓપીડી માટે આવતા પેશન્‍ટોએ પોતાની અંગત ઇચ્‍છા વગર માસ્‍ક પહેરવાની જરૂર નથી. પણ જેમને કફ, શરદી જેવી શ્‍વાચ્‍છોશ્‍વાસની તકલીફ હોય તેમણે માસ્‍ક પહેરવા જોઇએ.
પત્રમાં એમ પણ કહેવાયું છે કે કોરોનાના દર્દી અથવા કોરોનાના શંકાસ્‍પદ દર્દીને તેઓ જયારે વોર્ડમાં દાખલ કરાશે ત્‍યારે તેમને માસ્‍ક આપવામાં આવશે. કોરોના દર્દી જો રૂમમાં એકલો હોય તો માસ્‍ક પહેરવાની જરૂર નથી એમ પણ કહેવાયું છે. (અલાહના કીન્‍ડ્રેડનો પ્રસિદ્ધ થયેલ હેવાલ સાભાર)

 

(3:32 pm IST)