Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પાડાની ચોરીનો કેસ ઉકેલવા યુપી પોલીસ ભેંસ-પાડાનો DNA ટેસ્‍ટ કરાવશે!

મગજ કામ કરતું બંધ થઈ જાય તેવો કિસ્‍સો

લખનૌ, તા.૯: યુપીના શામલીમાં પોલીસ સામે એક રસપ્રદ કિસ્‍સો સામે આવ્‍યો છે. એક વ્‍યક્‍તિએ ભેંસના બચ્‍ચાં (પાડા)ની ચોરીનો આરોપ લગાવ્‍યો છે. જો કે, જે વ્‍યક્‍તિ પર આરોપ લાગ્‍યો છે તે પણ ઇન્‍કાર કરી રહ્યો છે. આવી સ્‍થિતિમાં પોલીસ હવે અસલી માલિકને શોધવા માટે ભેંસનો ડીએનએ ટેસ્‍ટ કરાવવા જઈ રહી છે.

ચંદ્રપાલ કશ્‍યપ મજૂરી કામ કરે છે. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ૨૫ ઓગસ્‍ટ ૨૦૨૦ના રોજ તેના ઢોર રાખવાના વાળામાંથી ભેંસના ૩ વર્ષના નર બચ્‍ચાંની ચોરી થઈ હતી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, શોધખોળ કરતાં આ પાડું નવેમ્‍બર ૨૦૨૦માં સહારનપુરમાં મળી આવ્‍યું હતું. સાથે જ સહારનપુરના પાડાના માલિક સતબીર સિંહનો દાવો છે કે આ પાડો તેમનો જ છે.

ત્‍યારે કોવિડ મહામારીના કારણે મામલો અટવાયો હતો. હવે શામલીના એસપી સુકળતિ માધવે અસલી માલિકને શોધવા માટે ચંદ્રપાલની ભેંસ અને પાડાનો ડીએનએ ટેસ્‍ટ કરાવવાનો આદેશ આપ્‍યો છે. માધવનું કહેવું છે કે અસલી માલિકને શોધી કાઢવી ખરેખર એક પડકાર હતો, કારણ કે કશ્‍યપે દાવો કર્યો હતો કે પાડાની માતા તેની પાસે જ છે, તેથી અમે ડીએનએ ટેસ્‍ટ કરાવવાનો નિર્ણય કર્યો છે.

સાથે જ જ્‍યારે કશ્‍યપને પૂછવામાં આવ્‍યું કે તમે કેવી રીતે ઓળખી શકયા કે આ પાડું તમારું છે.એના પર તેમણે કહ્યું કે મનુષ્‍યની જેમ પ્રાણીઓની પણ ઓળખ માટે અલગ અલગ વિશેષતાઓ હોય છે. પહેલું, તેના ડાબા પગ પર એક ડાઘ છે. તેની પૂંછડીના છેડે એક સફેદ પેચ પણ હોય છે. સાથે જ ત્રીજી વાત, જ્‍યારે હું પાડાની નજીક પહોચ્‍યો ત્‍યારે તેણે મને ઓળખી લીધો અને મારા પાસે આવવાનો પ્રયત્‍ન કર્યો, કારણ કે પ્રાણીઓની યાદશક્‍તિ એકદમ તેજ હોય છે.

(3:43 pm IST)