Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

લ્‍યો બોલો... હવે જયપુરમાં ‘સ્‍ટ્રીટ ડોગ્‍સ'ની સોપારી અપાઈ, ૪ શ્વાનને ગોળી વાગીઃ ૩ના મોત

એનિમલ એક્‍ટિવિસ્‍ટે પોલીસ ફરિયાદ દાખલ કરાવીને દોષિતોને સજા અપાવવાનું બીડું ઝડપ્‍યું

જયપુર, તા.૯: તાજેતરમાં જ ‘વર્લ્‍ડ પેટ મેમોરિયલ ડે' ઉજવાયો છે ત્‍યારે જયપુર ખાતેથી અબોલ પશુઓની હત્‍યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્‍યો છે. જયપુરમાં સ્‍ટ્રીટ ડોગ્‍સની એટલે કે, રખડતાં શ્વાનની સોપારી આપવામાં આવી હતી જેમાં ગોળી વાગવાથી ૩ શ્વાનના મોત થયા છે જ્‍યારે એક શ્વાન ઘાયલ થયો છે. દર વર્ષે જૂન મહિનાનો બીજો મંગળવાર ‘વર્લ્‍ડ પેટ મેમોરિયલ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રાણીપ્રેમીઓ પોતાના ગુજરી ગયેલા વ્‍હાલા પાલતુ જીવને યાદ કરે છે.

રાજસ્‍થાનની રાજધાની જયપુરમાં શ્વાનના સોપારી કિલિંગઁની ઘટના બની છે. જયપુરના બૈનાડ વિસ્‍તારમાં ૪ શ્વાનને ખૂબ જ નિર્દયતાપૂર્વક ગોળી મારવામાં આવી હતી જેમાંથી ૩ના ઘટના સ્‍થળે જ મોત થયા હતા જ્‍યારે ચોથું શ્વાન ગંભીર રીતે ઘાયલ છે.

આ ઘટના બાદ મોટી સંખ્‍યામાં પશુપ્રેમીઓ તે વિસ્‍તારમાં એકઠા થઈ ગયા હતા અને આ મામલે કેસ દાખલ કરાવીને કાર્યવાહીની માગણી કરી હતી. પોલીસે આ અંગેની FIR દાખલ કરીને યોગ્‍ય કાર્યવાહી કરવા માટેનું આશ્વાસન આપ્‍યું છે.   બુધવારના રોજ બનેલી આ ઘટનામાં એક સ્‍થાનિક વ્‍યક્‍તિએ જ શૂટર દ્વારા ગોળી ચલાવડાવી હોવાનું સામે આવ્‍યું છે. શૂટરે ૪ શ્વાનને ટાર્ગેટ કર્યા હતા જેમાંથી ૩ના ઘટના સ્‍થળે જ મોત થઈ ગયા હતા. જ્‍યારે ઘાયલ થયેલા ચોથા શ્વાનને દાખલ કરવામાં આવ્‍યું છે.

ઘટના સ્‍થળે એકત્રિત થયેલા પશુપ્રેમીઓએ તાત્‍કાલિક પોલીસ ફરિયાદ નોંધાવીને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ સાથે જ જેના દ્વારા ગોળી ચલાવવામાં આવી તે હથિયાર પણ જપ્ત કરવાની માગણી કરવામાં આવી છે.

પશુઓ સામેની ક્રૂરતા વિરૂદ્ધ કામ કરી રહેલા એનિમલ એક્‍ટિવિસ્‍ટ મરિયમ અબૂ હૈદરીએ આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. તેમના કહેવા પ્રમાણે કેટલાક લોકોએ સ્‍થાનિક નિવાસી સુઆલાલે આ માટેની સોપારી આપી હોવાનું જણાવ્‍યું છે. સુઆલાલે પૈસા આપીને બંદૂક વડે ગોળી મરાવીને શ્વાનને મોતને ઘાટ ઉતારાવ્‍યા હતા. વધુમાં જણાવ્‍યું કે, એનિમલ એક્‍ટિવિસ્‍ટની ટીમે ઘટના સ્‍થળે પહોંચીને ત્રણેય શ્વાનના મળતદેહ કબજામાં લીધા છે. ઈજાના નિશાન સ્‍પષ્ટ દર્શાવે છે કે, તેમને ગોળી વાગી છે. શરૂમાં પોલીસે આ મામલે કેસ દાખલ કરવા આનાકાની કરી હતી પરંતુ બાદમાં FIR નોંધીને યોગ્‍ય કાર્યવાહીનું આશ્વાસન આપ્‍યું છે. તેમણે આ કેસને છેલ્લે સુધી ફોલો કરીને દોષિતોને સજા અપાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

(4:11 pm IST)