Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ICICIના ગ્રાહકોને ઝટકો : ધિરાણ દરમાં ૫૦ બેસિસ પોઇન્‍ટનો વધારો

આરબીઆઇના નિર્ણયની અસર શરૂ

નવી દિલ્‍હી તા. ૯ : દેશમાં હવે ખાનગી ક્ષેત્રની ICICI બેંકે પણ લોકોને ચોંકાવી દીધા છે. મોંઘી લોનને કારણે ICICI બેંકે ગ્રાહકોને આંચકો આપતા ધિરાણ દરમાં ૫૦ બેસિસ પોઈન્‍ટનો વધારો કરી દીધો છે. મે બાદ રિઝર્વ બેંકે જૂનમાં પણ રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટમાં વધારા સાથે, સામાન્‍ય લોકો હવે મોંઘી લોનનો ભોગ બન્‍યા છે. ICICIએ ધિરાણ દરમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો છે.
ભારતમાં હવે મોંઘી લોનનો માર હવે શરૂ થયો છે. જેમાં ICICI બેંકે પહેલો ઝટકો આપ્‍યો હોય તેમ બેન્‍કે બેન્‍ચમાર્ક લેન્‍ડિંગ રેટમાં ᅠ૦.૫૦ ટકાનો વધારો થયો છે. હવે આ દર ૮.૬૦ પર પહોંચી ગયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટ વધારવાની જાહેરાત બાદ નિર્ણય લેવામાં આવ્‍યો છે. RBIએ ગઈકાલે રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્‍ટ્‍સનો વધારો કર્યો હતો. હવે તે ૪.૯૦ ટકા છે.
ICICI બેંકની વેબસાઈટ પર એક નોટિફિકેશનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, એક્‍સટર્નલ બેન્‍ચમાર્ક લેન્‍ડિંગ રેટ (EBLR) ૮ જૂનથી લાગુ થશે. બેંકે કહ્યું કે આ વધારો RBIના રેપો રેટમાં વધારાને કારણે કરવામાં આવ્‍યો છે. EBLR એ વ્‍યાજ દર છે જેની નીચે બેંકો ધિરાણની મંજૂરી આપતી નથી. નોંધનીય છે કે, EBLR ૫ મેના રોજ જ વધારવામાં આવ્‍યો હતો.
રિઝર્વ બેંકે આ મહિને રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરીને ૪.૯૦ ટકા કર્યો છે. અગાઉ મેની કટોકટીની બેઠકમાં તેમાં ૦.૪૦ ટકાનો વધારો કરીને ૪.૪૦ ટકા કરવામાં આવ્‍યો હતો. ઓગસ્‍ટ ૨૦૧૮ થી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી અને પોલિસી વ્‍યાજ દરો (RBIᅠપોલિસી રેટ) તેના ઐતિહાસિક નીચી સપાટીએ રહ્યા. અત્‍યાર સુધીના વધારા પર નજર કરીએ તો રેપો રેટમાં ૦.૯૦ ટકાનો વધારો થયો છે. બેંકો પણ તે જ પ્રમાણમાં લોનના વ્‍યાજ દરમાં વધારો કરી રહી છે.

 

(4:31 pm IST)