Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બ્રેસ્‍ટ કેન્‍સરનો શિકાર બની મહિમા ચૌધરી પીડા જણાવતાં આવ્‍યા આંખમાંથી આંસુ

મહિમા ચૌધરીને વાર્ષિક ચેક-અપ દરમિયાન કેન્‍સર હોવાનું જાણવા મળ્‍યું હતું

મુંબઇ, તા.૯: બોલિવુડમાંથી વધુ એક સેલિબ્રિટી કેન્‍સરનો શિકાર થઈ હોવાના સમાચાર આવી રહ્યા છે. ફિલ્‍મ ‘પરદેસ' થી પોપ્‍યુલર થયેલી એક્‍ટ્રેસ મહિમા ચૌધરીને બ્રેસ્‍ટ કેન્‍સર થયું હતું. મહિમા ચૌધરીએ તાજેતરમાં જ આ વાતનો ખુલાસો કર્યો છે. અનુપમ ખેરની મદદથી મહિમા ચૌધરીએ કેન્‍સર અંગેની વાત લોકો સુધી પહોંચાડી છે. અનુપમ ખેરે મહિમાનો એક વિડીયો પોતાના ઈન્‍સ્‍ટાગ્રામ અકાઉન્‍ટ પર શેર કર્યો છે. જેમાં મહિમા પોતાના કેન્‍સર અંગે વિગતવાર વાત કરે છે. વિડીયોના અંતે અનુપમ ખેરે મહિમા ચૌધરીને ‘હીરો' ગણાવી છે. તો ભાવુક થયેલી મહિમાએ મદદ માટે અનુપમ ખેરનો આભાર માન્‍યો છે.
અનુપમ ખેરે ઈન્‍સ્‍ટાગ્રામ પર શેર કરેલા વિડીયોમાં જોઈ શકો છો કે મહિમા ચૌધરી એક બારી પાસે બેઠી છે. કેન્‍સરની સારવારને કારણે તેના વાળ ખરી ગયા છે. વિડીયોમાં મહિમા ચૌધરી જણાવે છે કે, તે પોતાના વાર્ષિક બોડી ચેકઅપ કરાવી રહી હતી ત્‍યારે સોનોગ્રાફીમાં ગાંઠ જેવું દેખાયું હતું. જેથી તેણે ઓન્‍કોલોજીસ્‍ટનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, તેના શરીરમાં મળેલા સેલ્‍સ કેન્‍સરના નથી પરંતુ એક નાનો ટુકડો કેન્‍સરમાં પરિવર્તિત થઈ ગયો હતો. જે બાદ મહિમાએ કીમોથેરાપી શરૂ કરાવી હતી. શરૂઆતના તબક્કાનું કેન્‍સર હોવાથી મહિમા ચૌધરી હાલ સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છે.
વિડીયોમાં મહિમા કહે છે કે, અનુપમ ખેરે પોતાની આગામી ફિલ્‍મમાં કામ કરવા માટે મહિમાને ફોન કર્યો હતો. એ વખતે તેની સારવાર ચાલી રહી હતી એટલે તે જૂઠ્ઠું ના બોલી શકી અને અનુપમને સંપૂર્ણ હકીકત જણાવી દીધી. કેન્‍સરની સારવાર દરમિયાન અનુપમ ખેરે ખૂબ મદદ કરી હોવાથી મહિમાએ તેમનો આભાર માન્‍યો હતો. સાથે જ વિડીયોમાં પોતાની પીડા વિશે વાત કરતાં મહિમા રડી પડી હતી.
વિડીયો શેર કરતાં અનુપમ ખેરે લખ્‍યું, મહિમા ચોધરીની હિંમત અને કેન્‍સરની વાત એક મહિના અગાઉ મેં યુએસથી મહિમા ચૌધરીને મારી ૫૨૫મી ફિલ્‍મ ‘ધ સિગ્નેચરમાં મહત્‍વની ભૂમિકા ભજવવા માટે ફોન કર્યો હતો. વાત વાતમાં જાણવા મળ્‍યું કે, મહિમાને બ્રેસ્‍ટ કેન્‍સર છે. પછી શું થયું તે અમારી વચ્‍ચેના આ સંવાદમાં જોઈ શકશો. મહિમાનો દ્રષ્ટિકોણ દુનિયાભરની મહિલાઓ માટે આશાનું કિરણ બની શકે છે. તે ઈચ્‍છતી હતી કે તેના આ ખુલાસાનો હું ભાગ બનું. મહિમા મને આશાવાદી કહે છે પરંતુ વહાલી મહિમા તું મારી હીરો છેઁ. મિત્રો, તેને તમારા આશીર્વાદ, પ્રેમ, શુભેચ્‍છાઓ અને હૂંફ આપો. હવે તે સેટ પર પાછી ફરી ગઈ છે. ફરીથી ઉડાન ભરવા તૈયાર છે. બધા જ પ્રોડ્‍યુસરો અને ડાયરેક્‍ટરો હવે તે કામ માટે તૈયાર છે. જય હો.
મહિમા ચૌધરીએ પણ પોતાના ઈન્‍સ્‍ટાગ્રામ પર આ જ વિડીયો શેર કરતાં મદદ માટે ફરી એકવાર અનુપમ ખેરનો આભાર માન્‍યો છે. હાલ મહિમા અનુપમ ખેર જોડે તેમના આગામી પ્રોજેક્‍ટમાં કામ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, મહિમા ચૌધરીએ ૨૦૦૬માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કપલના ૨૦૧૩માં ડિવોર્સ થયા હતા. બોબી અને મહિમાની એક દીકરી છે જેનું નામ અરીના છે. હાલ મહિમા પોતાના માતાપિતા સાથે રહે છે.

 

(4:33 pm IST)