Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

અમરનાથ યાત્રીઓને સરકારની ભેટ : શ્રીનગરથી સીધા પંચતરણી સુધી સીધા હેલિકોપ્ટર સેવા શરૂ

બાબા બર્ફાનીની ગુફા તરફ જતા રસ્તાઓ પર ભીડ ઓછી કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હેલિકોપ્ટર સેવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી : અમરનાથ યાત્રાએ જઈ રહેલા શ્રદ્ધાળુઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. સરકારે જાહેરાત કરી છે કે અમરનાથ જનારા લોકોની વધતી સંખ્યાને જોતા શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર સેવા આપવામાં આવશે. બાબા બર્ફાનીની ગુફા તરફ જતા રસ્તાઓ પર ભીડ ઓછી કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હેલિકોપ્ટર સેવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે શ્રીનગરથી પંચતરણી સીધા તીર્થયાત્રીઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી છે. ગૃહ મંત્રાલયે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડને આ સેવા વહેલી તકે શરૂ કરવા નિર્દેશ આપ્યો છે.

નોંધનીય છે કે હાલમાં બાલતાલ અને પહેલગામથી પંચતરણી સુધી હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ છે. યાત્રા દરમિયાન, યાત્રાળુઓ પગપાળા અંતર કાપે છે અથવા ખચ્ચર અને પાલખીની મદદથી મંદિરે પહોંચે છે. બાલતાલ અને પહેલગામ બંને શ્રીનગરથી લગભગ 90 કિલોમીટરના અંતરે છે.

આ વર્ષે એક નવો માર્ગ પણ ઉમેરવામાં આવી રહ્યો છે, જે બડગામ (શ્રીનગર એરપોર્ટ નજીક) થી પંચતરણી સુધીનો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ એનડીટીવીને જણાવ્યું કે, કેન્દ્ર અમરનાથ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકોની ભીડની અપેક્ષા રાખે છે. ગયા અઠવાડિયે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે શ્રીનગરથી સીધા જ તીર્થયાત્રીઓને હેલિકોપ્ટર સેવા પૂરી પાડવામાં આવશે.

અર્ધધલશ્કરી દળોના ઓછામાં ઓછા 12 હજાર જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ડ્રોન કેમેરાની મદદથી અમરનાથ યાત્રાની સુરક્ષાનું ધ્યાન રાખશે. અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે બે વર્ષ બાદ આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કોરોના સંક્રમણને કારણે વર્ષ 2021 અને 2020માં અમરનાથ યાત્રા થઈ શકી ન હતી. જ્યારે વર્ષ 2019 માં, બંધારણની કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને રદ કરતા પહેલા, આ યાત્રા નિર્ધારિત સમય પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં જમ્મુ-કાશ્મીરમાં ‘ટાર્ગેટ કિલિંગ’ની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. આ કારણસર અમરનાથ યાત્રાની સુરક્ષા સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

(7:26 pm IST)