Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

યુરોપીયન સંઘ પણ જુલાઈ-સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધારશે

મોંઘવારી પર કાબૂ મેળવવાનો પ્રયાસ : બેંકે યુરોપીયન સંઘના અર્થતંત્રને ટેકો આપવા માટે છેલ્લા સાત વર્ષથી શરુ કરેલા બોન્ડ પરચેઝ પ્રોગ્રામનો આ મહિનાથી અંત લાવવાની પણ જાહેરાત કરી

ફ્રેંકફર્ટ,તા.૯ : ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઓસ્ટ્રેલીયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દક્ષિણ કોરિયા બાદ હવે યુરોપીયન સંઘે પણ મોંઘવારી ઉપર કાબુ મેળવવા માટે વ્યાજ દર વધશે એવી જાહેરાત કરી છે. યુરોપીયન સેન્ટ્રલ બેંકે આજે જાહેરાત કરી હતી કે જુલાઈમાં ૦.૨૫ ટકા અને સપ્ટેમ્બરમાં બીજા ૦.૨૫ ટકા વ્યાજ દર વધારવામાં આવશે. આ સાથે બેંકે યુરોપીયન સંઘના અર્થતંત્રને ટેકો આપવા માટે છેલ્લા સાત વર્ષથી શરુ કરેલા બોન્ડ પરચેઝ પ્રોગ્રામનો આ મહિનાથી અંત લાવવાની પણ જાહેરાત કરી છે.

નાણા પ્રવાહિતા માટે બેંકો અને મોટા કોર્પોરેટના બોન્ડ ખરીદી યુરોપીયન સેન્ટ્રલ બેંક તેમને નાણા આપતી હતી. સાત વર્ષથી ચાલી રહેલી આ વ્યવસ્થા જૂનના અંતે બંધ થઇ જશે.

યુરો ઝોનમાં ફુગાવાનો દર છેલ્લા ૨૩ વર્ષમાં સૌથી ઉંચો ૮.૧ ટકા ચાલી રહ્યો છે જયારે સેન્ટ્રલ બેંકના વ્યાજના દર શૂન્યની નજીક છે. બુધવારે ભારતે ૦.૫૦ ટકા વ્યાજનો દર વધાર્યો હતો જયારે સેન્ટ્રલ બેંક ઓફ પોલેન્ડે પણ ૦.૭૫ ટકા વધારાની જાહેરાત કરી હતી.

 

 

(8:16 pm IST)