Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બિહારમાં પાંચ વર્ષમાં ૪૭ લિંગ પરિવર્તન કરાયા

બિહાર સરકારની ટ્રાન્સઝેન્ડરના લિંગ પરિવર્તન માટેની પહેલ : સૌથી વધારે પટનાના ૨૯ જેટલા ટ્રાન્સજેન્ડર્સે આ યોજનાનો લાભ લીધો, બિહાર સિવાય અન્ય કોઈ રાજ્યમાં લિંગ પરિવર્તનની આ પહેલ સફળ નથી થઈ શકી

પટણા,તા.૯ : સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર્સને લિંગ પરિવર્તન એટલે કે, સેક્સ ચેન્જમાં મદદરૃપ થઈને તેમને મુખ્ય પ્રવાહ સાથે સાંકળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને પોતાની રીતે સારૃં જીવન જીવવાનો અધિકાર મળે તે છે. તેના અંતર્ગત બિહારમાં છેલ્લા ૫ વર્ષમાં ૪૭ ટ્રાન્સજેન્ડર્સે રાજ્ય સરકારની મદદથી પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું છે. તેમાં સૌથી વધારે પટનાના ૨૯ જેટલા ટ્રાન્સજેન્ડર્સે આ યોજનાનો લાભ લીધો છે.

છેલ્લા એક વર્ષમાં પટના ખાતે આવેલા ગરિમા ગૃહના ૨૩ ટ્રાન્સજેન્ડર્સે પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું છે. ટ્રાન્સજેન્ડર્સને લિંગ પરિવર્તન માટે મુખ્યમંત્રી સહાયતા કોષમાંથી ખાસ રૃપે ૧.૫ લાખ રૃપિયાની આર્થિક સહાય મળે છે.  રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર પરિષદના સદસ્ય રેશમા પ્રસાદના કહેવા પ્રમાણે બિહાર સિવાય અન્ય કોઈ રાજ્યમાં લિંગ પરિવર્તનની આ પહેલ સફળ નથી થઈ શકી. કેરળમાં પણ રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર્સને લિંગ પરિવર્તન દ્વારા આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તેની શરૃઆત પણ નથી થઈ શકી.

બિહાર સરકાર ટ્રાન્સજેન્ડર્સને લિંગ પરિવર્તન માટે ૧.૫ લાખ રૃપિયાની સહાય આપે છે. વર્ષ ૨૦૧૮માં આ યોજનાની શરૃઆત થઈ હતી. રાજ્ય સરકારના આ પગલાંથી પ્રેરિત થઈને કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર્સને લિંગ પરિવર્તન માટે આયુષ્માન કાર્ડ દ્વારા ૫ લાખ રૃપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી હતી. બિહારમાં હાલ આશરે ૪૦,૦૦૦ જેટલા ટ્રાન્સજેન્ડર્સ છે.

 

(8:25 pm IST)