Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

NSA અજીત ડોભાલ સાથેની બેઠક બાદ ઈરાને પાછું ખેંચ્યું નિવેદન

પયગંબર મોહમ્મદ પર BJPના નૂપુર શર્માના નિવેદન પર દેશ-વિદેશમાં ભારે હંગામો મચી ગયો

પયગંબર મોહમ્મદ પર BJPના નૂપુર શર્માના નિવેદન પર દેશ-વિદેશમાં ભારે હંગામો મચી ગયો છે. તે દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈની વ્યક્તિગત ટિપ્પણીઓ સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જે લોકોએ નિવેદન આપ્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ઈરાનના વિદેશ મંત્રીની બેઠક દરમિયાન વિવાદાસ્પદ ટિપ્પણીનો મુદ્દો પણ સામે આવ્યો હતો.  તો તેમનું કહેવુ હતુ કે, આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી.

અરિંદમ બાગચીને ભારતની યાત્રાએ આવેલા   ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની  મુલાકાત  દરમિયાન પયગંબર મોહમ્મદની વિવાદાસ્પદ ટિપ્પણીના અહેવાલો વિશે  પૂછવામાં આવ્યું હતું. જો કે  આ અંગે ઈરાનના નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે આવી ટિપ્પણી કરનારાઓ સામે કડક કાર્યવાહીનું ભારત તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે.

આ  મામલે પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે મારુ માનવું છે કે  તમે જે નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યા તે  પાછું ખેંચી લેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, બુધવારે ભારતની મુલાકાતે આવેલા ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.

વિવાદીત નિવેદન બાદ પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ નુપુર શર્માએ પોતાની ટિપ્પણી બદલ માફી પણ માંગી હતી. તેણીએ કહ્યું કે હું મારા શબ્દો પાછા લઉં છું. નુપુર શર્માએ  કહ્યું કે મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો. જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.

હાલમાં, યુનાઈટેડ આરબ અમીરાત, ઈરાન, ઈરાક, લિબિયા, ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા માલદીવ્સ, જોર્ડન અને બહેરીન સહિતના ઘણા દેશોએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીની નિંદા કરી છે. તેમજ કતાર, ઈરાન અને કુવૈતે ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા. આ મામલો ઉગ્ર બન્યા પછી BJPએ પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા અને પાર્ટીના દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન કુમાર  જિંદાલને પણ  હાંકી કાઢ્યા હતા.

(11:40 pm IST)