Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

શહેરોમાં નહીં માત્ર હાઇવે પર હાલ તુર્ત હેલ્મેટ ડ્રાઇવ

સ્ટેટ ટ્રાફિકનો હવાલો સંભાળતા આઇજી પિયુષ પટેલના વાયરલ પરિપત્ર અને લોકોમાં ભડકેલા રોષ બાદ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા સ્પષ્ટતાઃ 'અકિલા' સાથે વાતચીત : વાહન અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહિ પહેરવાને કારણે મૃત્યુદર અને ગંભીર ઇજાના પ્રમાણ વધ્યા હોઇ સુપ્રિમ કોર્ટના આદેશ સંદર્ભે કાર્યવાહીઃ પ્રાથમિક તબક્કે હાઇવે બાદ શહેરી વિસ્તારોમાં પણ અમલ કરવામાં આવશેઃ ૨૦મી સુધી હેલ્મેટ ડ્રાઇવ યોજવા આદેશ

રાજકોટ તા. ૯: વાહન અકસ્માતોના કિસ્સામાં મૃત્યુદર વધતાં અને ગંભીર ઇજાઓનું પ્રમાણ વધતાં સુપ્રિમ કોર્ટ દ્વારા ખાસ કમિટી દ્વારા હેલ્મેટ સામેની ઝુંબેશ વ્યાપક બનાવવા માટે થયેલા આદેશ સંદર્ભે રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓની મિટીંગમાં આજથી ડ્રાઇવ ૨૦મી સુધી હેલ્મેટ સંદર્ભેની સ્પેશ્યલ ડ્રાઇવ યોજવા રાજ્ય પોલીસ તંત્રના આઇજી કક્ષાના સિનીયર આઇપીએસ પિયુષ પટેલ દ્વારા રાજ્યભરના તમામ પોલીસ કમિશનરો-રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ વડાઓને અપાયેલ આદેશની પોસ્ટો સોશ્યલ મીડિયામાં વાયરલ થવાના પગલે લોકોમાં ફાટી નીકળેલ રોષ સંદર્ભે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટીયાનો સંપર્ક સાધતા તેઓએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે, સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ સંબંધિત અધિકારી દ્વારા આદેશ થયો છે. સુપ્રિમ કોર્ટની વિશેષ કમિટી દ્વારા વધતા જતા અકસ્માતો અંગે ચિંતા વ્યકત કરવાના પગલે હેલ્મેટ ડ્રાઇવ યોજાશે. પરંતુ પ્રાથમિક તબક્કે હાઇવે પર જ તેનો કડકાઇથી અમલ થશે. બીજા તબક્કામાં શહેરો અને જિલ્લાઓમાં પણ આનો અમલ કરવા ઉચ્ચ કક્ષાની કમિટી દ્વારા નિર્ણય થયો છે.

આનો સીધો અર્થ એવો કાઢવામાં આવે છે કે, માસ્કના દંડથી પરેશાન લોકોને હેલ્મેટના આકરા દંડથી હાલ તુર્ત રાહત મળશે. જો કે, ભવિષ્યમાં શહેરી વિસ્તારોમાં પણ આવો અમલ થશે. અત્રે એ યાદ રહે કે, કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ધંધા-રોજગાર પર ફટકો પડ્યો છે. ઉદ્યોગ ધંધાઓ અને રોજગારો પર મંદી છે તેવા સમયે હેલ્મેટના કડક નિયમને કારણે પડ્યા પર પાટુ જેવો અમલ ચુસ્તપણે ન થાય તે માટે રાજ્યના મુેખ્ય પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા આવો નિર્ણય થયાનું અને રાજ્ય સરકાર સામે લોકોનો બિનજરૂરી રોષ ન જાગે તે માટે આવો નિર્ણય કરાયાનું ટોચના સૂત્રો 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવે છે.

(3:12 pm IST)