Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રિયા તો નાની માછલી છે : મુંબઇમાં ચાલે છે મોટી ડ્રગ્સ સિન્ડીકેટ

મુંબઇમાંથી કદી મોટા વેપારી કે મોટા સપ્લાયરની ધરપકડ નથી થતી માત્ર નાના ડ્રગ્સ પેડલર્સ અને ડ્રગ્સ લેનારાની ધરપકડ થાય છે : મોટા મગરમચ્છોને કદી કોઇ પકડતું નથી માત્ર નાના માણસો ઝપટે ચડે છે : પોલીસ પણ માત્ર નાના લોકોને જ સાણસામાં લે છે

મુંબઇ તા. ૯ : ત્રણ દિવસની પૂછપરછ બાદ નાર્કોકોટીકસ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ રીયા ચક્રવર્તીની ધરપકડ કરી છે અને તેને ૧૪ દિવસ માટે જેલ ભેગી કરી દીધી છે. રીયા પર આરોપ છે કે, તે સક્રીય ડ્રગ સિન્ડીકેટની સભ્ય છે. આ બધા વચ્ચે એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઇમાં ડ્રગ્સના મામલામાં મોટાભાગે ધરપકડ માત્ર નાના ડ્રગ પેડલર્સ (વિક્રેતા)ઓ અને ડ્રગ્સ લેનારાની થાય છે. કોઇપણ મોટો વેપારી કે સપ્લાયર કદી પકડાતો નથી.

વિધિ સેન્ટર ફોર લીગલ પોલીસી નામની સંસ્થાએ છેલ્લા દસ વર્ષના આંકડા રજૂ કર્યા છે જેમાં જણાવાયું છે કે, નાના વિક્રેતાઓ અને ડ્રગનો ઉપયોગ કરનાર વિરૂધ્ધ જ ચાર્જશીટ દાખલ થઇ છે. જેમાં મોટાભાગના ઝુપડપટ્ટી અને ફુટપાથ પર રહેનાર છે. તેઓને જ દોશી ગણાવાય છે.

મહારાષ્ટ્રના એકટ હેઠળ દેશમાં સૌથી વધુ કેસ આવતા હોય છે. અભ્યાસ અનુસાર વર્ષ ૨૦૧૭ થી ૧૮ વચ્ચે ૯૭ ટકા કેસ વ્યકિતગત ઉપયોગ માટે ડ્રગ રાખવા સાથે જોડાયેલા હતા. જ્યારે આ બધા લોકોનો વ્યવસાય જોવામાં આવ્યો તો જણાયું કે પોલીસ હંમેશા સમાજના નીચલા વર્ગના લોકોની ધરપકડ કરે છે. જેમાં મજૂરો, મીસ્ત્રી, કાર ધોનારા, રસોયા, કુલી, કચરા વિણનારા, રીક્ષા ડ્રાઇવર અને ડિલીવરી બોય હોય છે. ધરપકડમાં મોટાભાગે ગાંજાની બાબત દર્શાવામાં આવે છે.

અભ્યાસ અનુસાર અદાલતોને અધિકાર છે કે ડ્રગ એડીકટને નશામુકિત કેન્દ્રમાં મોકલે પરંતુ તેઓની સામે જે પણ આરોપી રજૂ કરાયા તેને કાંતો જેલ અથવા તો દંડ ફટકારવામાં આવેલ છે. વકીલ તારક સૈયદનું કહેવું છે કે, આવા મામલામાં જેમાં આરોપી પાસે વ્યકિતગત ઉપયોગ માટે ડ્રગ મળે અને તે પોતે ઇલાજ માટે રાજી થઇ જાય તો કલમ ૬૪એ હેઠળ તેના પર કેસ ચલાવા માટે છુટ આપવામાં આવી છે.

જેટલા ડ્રગ્સનો કેસ રીયા પર બન્યો છે એટલા ગાંજો દિલ્હીના રસ્તા પર મળે છે : પૂર્વ એસીપી

નવી દિલ્હી : દિલ્હી પોલીસના નિવૃત્ત એસીપી વેદ ભૂષણ કહે છે કે રીયા વિરૂધ્ધ કેસ ઘણો નબળો અને હાસ્યાસ્પદ છે. જેટલા ડ્રગ્સનો કેસ રીયા પર બન્યો છે તેટલો ગાંજો દિલ્હીના રસ્તા પર રોજ મળે છે. રીયા પાસેથી ડ્રગ્સ મળી નથી તેથી આ કેસ ઘણો નબળો છે. તેમણે કહ્યું છે કે, દિલ્હીની અંદર તમે રસ્તા પર ચાલ્યા જતા હોય તો હું તમને અહીંથી બેઠા બેઠા કહી શકું કે કયાં ગાંજો મળે છે

(10:23 am IST)