Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ભારત - ચીન સરહદે તણાવ વધ્યો : ચીન મોટા હુમલાની ફિરાકમાં

ભારતીય સેનાએ મિરર ડિપ્લોયમેન્ટ કરતા પોતાની ટેન્કો અને ગાડીઓને એલએસીની આસપાસ તમામ જગ્યાઓએ તહેનાત કરી દીધી

નવી દિલ્હી તા. ૯ : ભારત સરહદે ઘેરો ઘાલીને બેઠેલું ચીન મોકાની રાહ જોઈ રહ્યું છે અને અહીં સૈન્યનો જમાવડો કરી રહ્યું છે. અહેવાલો મુજબ ચીને ૧ સપ્ટેમ્બરે રેચિન લાની પાસે પીએલએ ગ્રાઉન્ડ ફોર્સની એક બટાલિયનને તહેનાત કરી છે. સ્પાંગુર લેકની પાસે ચીને બે બટાલિયન તહેનાત કરી છે. આ તમામ શિકવાનેમાં હાજર ૬૨ કમ્બાઈડ આર્મ્સ બ્રિગેડનો એક ભાગ છે.

 

ઉલ્લેખનીય છે કે, રેચિન લા અને રેજાગ લા પર ૨૯-૩૦ ઓગસ્ટે ભારતીય સેનાએ કબ્જો કરી લીધો હતો.આ જગ્યા એ અગાઉ ઝપાઝપી થઈ ગઈ છે.

ભારતીય સેના અહીંથી ચીનની મોલ્દો છાવણી પર સીધી નજર પણ રાખી શકે છે. ચીનનો ઈરાદો અહીંના રણનૈતિક મહત્વના આ શિખરો પર ફરીથી કબ્જો કરવાનો છે પરંતુ ભારતીય સેના ના જવાનો ની અગાઉ થીજ અહીં હાજરી હોવાથી ચીન ગિન્નાયું છે. ચીને લદ્દાખમાં બે મોટરાઈઝડ ડિવિઝન તહેનાત કર્યા છે. ૪ મોટરાઈઝડ ડિવિઝન ચુશૂલની સામે અને છઠ્ઠી મોટરાઈઝડ ડિવિઝન પેંગોંગના પશ્ચિમી કિનારેથી લઈ દૌલત બૈગ ઓલ્ડી સુધી ફેલાયેલી છે. આ ઉપરાંત ૪ મોટરાઈઝડ ડિવિઝનની ટેંકોનો કાફલો સ્પાંગુર ગેપની આસપાસ મોરચો સંભાળ્યો છે.

ભારતીય સેનાએ મિરર ડિપ્લોયમેન્ટ કરતાં પોતાની ટેંકો અને ગાડીઓને એલએસીની આસપાસ તમામ જગ્યાઓએ તહેનાત કરી દીધી છે. અહીંથી ચીનની તરફથી કોઈ મોટા હુમલાની સંભાવના હોવાથી ભારતીય સેના એકશન મોડ માં છે અને ચીન ના ઘૂસણખોર સૈનિકોને પાઠ ભણાવવા મીટ માંડીને બેઠા છે.

(10:24 am IST)