Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

શિવસેના અર્નબ ગોસ્વામી અને કંગના ઉપર તૂટી પડયું : 'સામના'માં લખાયું... દેશદ્રોહી પત્રકાર અને સુપારીબાજ કલાકારનું સમર્થન કરવું પણ 'હરામખોરી'

સામનામાં બંને ઉપર તીખા પ્રહારો : પ્રજા કદી માફ નહી કરે તેવું જણાવાયું

મુંબઇ તા. ૯ : સુશાંતસિંહ રાજપૂત મોત મામલામાં કંગના અને શિવસેના વચ્ચે ઘણા દિવસોથી યુધ્ધ ચાલી રહ્યું છે. કંગના અને સંજય રાઉત વચ્ચે તકરાર વચ્ચે આજે શિવસેનાના મુખપત્ર સામના એ અભિનેત્રી ઉપર પ્રહારો કર્યા છે. એટલું જ નહિ કંગનાને હરામખોર કહેનાર સંજય રાઉતને ઇન્ટરવ્યુ માટે પડકાર ફેકનાર રિપબ્લીક ભારત ટીવીના એડીટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી પર પણ મુખપત્ર સામનામાં નિશાન સાધવામાં આવ્યું છે અને તેમને દેશદ્રોહી ગણાવ્યા છે.

શિવસેનાના મુખપત્ર સામનાના આજના લેખમાં નામ વગર કહેવાયું છે કે, રાજકીય એજન્ડાને સામે લાવવા માટે દેશદ્રોહ પત્રકાર અને સુપારીબાજ કલાકારોના રાજદ્રોહનું સમર્થન કરવું પણ 'હરામખોરી' છે. અત્રે નોંધનીય છે કે, સંજય રાઉત આ મુખપત્રના એડીટર છે અને આ પહેલા કંગના માટે તેમણે હરામખોર શબ્દનો ઉપયોગ કર્યો હતો.

સામનામાં લખાયુ છે કે, દેશદ્રોહી પત્રકાર અને સુપારીબાજ કલાકારને પ્રજા કદી માફ નહી કરે. કંગનાએ મુંબઇની તુલના પીઓકે સાથે કરી હતી તેવું કહેવાય છે. સામનાએ લખ્યું છે કે, મુંબઇ દેશનું આર્થિક પાટનગર છે. અહીં જ ૧૦૬ મરાઠાઓએ બલીદાન આપ્યું છે તેથી મુંબઇ મહારાષ્ટ્રનું જ છે. મુંબઇમાં ઇમાનથી રહેનાર બધા લોકોનું છે. મુંબઇની તુલના પીઓકે સાથે કરવી અને મુંબઇ પોલીસને માફીયા કહેવા એ ખાખી વર્દીનું અપમાન કરવું અને બગડેલી માનસિકતાના દર્શન છે.

સામનામાં કંગનાને સુરક્ષા અપાઇ તેનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ, ગુડગાંવ, લખનૌ, વારાણસી, રાંચી, હૈદ્રાબાદ, બેંગ્લોર, ભોપાલ જેવા શહેરો અંગે કોઇ અપમાનજનક બોલે તો શું કેન્દ્ર તેને વાય કેટેગરીની સુરક્ષા આપશે.

(10:26 am IST)