Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ઉત્તર- પશ્ચિમ સિવાય દેશના અનેક ભાગોમાં ફરી વરસાદી એકટીવીટી જોવા મળશે

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ્સની અસરથી દેશમાં ચોમાસુ સક્રીય બનશેઃ મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં વરસાદ પડશેઃ સ્કાયમેટ

નવીદિલ્હીઃ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ્સની અસરથી દેશના ઉત્તર- પશ્ચિમ ભાગો સિવાયના રાજયોમાં નેઋત્યનું ચોમાસુ ફરી એકટીવ બનશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હવે ચોમાસુ વિદાય લેશે. મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં ફરી વરસાદ શરૂ થશે. તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે.

નેઋત્યનું ચોમાસુ દક્ષિણ, મધ્ય અને પૂર્વ ભારતના રાજયોમાં ફરી સક્રીય બની ગયું છે. અમુક જગ્યાએ ચાલુ તો કોઈક જગ્યાએ વરસાદી એકટીવીટી ફરીથી શરૂ થઈ રહી છે. પરંતુ ઉત્તર- પશ્ચિમ ભારતના ભાગોમાં જમ્મુ-કાશ્મીર, ગિલગિટ, મુઝફરાબાદ, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં વાતાવરણ ચોખ્ખુ છે. આ વિસ્તારોમાંથી ૧૫મીની આસપાસથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરશે.

બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ્સ બનવાની શકયતા છે. અરબીસમુદ્રમાં હવાનું હળવું દબાણ બની ગયું છે. જે ઓફસોર ટ્રફ સાથે મર્જ થયું છે. આ સિસ્ટમ્સની અસરથી મધ્ય ભારત અને પૂર્વોતર રાજયોમાં ચોમાસુ સક્રીય રહેશે.

ઉત્તર પશ્ચિમ ભારતમાં ઓછા વરસાદ સાથે ચોમાસુ વિદાય લેશે તો મધ્ય ભારતમાં ૧૬ થી ૧૭ ટકા વધુ વરસાદ થયો છે. આ તમામ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે. મધ્યપ્રદેશ, છતિસગઢ, ઓડીસ્સામાં હળવો, કયાંક મધ્યમ અને એકાદ બે જગ્યાએ ભારે જો કે મહારાષ્ટ્રના મરાઠવાડા, કોંકણ, ગોવા તથા કર્ણાટકમાં ભારે વરસાદ પડશે. કેરળમાં પણ અમુક દિવસો સુધી એકધારો વરસાદ પડશે. તામીલનાડુના અમુક ભાગોમાં પણ સારો વરસાદ પડી શકે છે.

(11:17 am IST)