Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ઘર અને ઓફિસમાં ૪૦ને કોરોના : ૧ મહિના માટે 'આઇસોલેટ' થયા ગેહલોત

સરકારી કામકાજ યોગ્ય રીતે ચાલતુ રહે તેના માટે તેઓ વિડીયો કોન્ફરન્સિંગથી કામ કરતા રહેશે

જયપુર,તા.૯: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાની ઓફિસ અને સરકારી આવાસમાં કામ કરતા ૪૦ કર્મચારીઓ અને પોલીસકર્મીઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ મંગળવારે મોટો નિર્ણય લીધો છે. તેમણે હવે, આગામી ૧ મહિના સુધી પોતાને આઈસોલેટ કરી લીધા છે. એટલે કે, તેઓ આ દરમિયાન કોઈને મળશે નહીં. જોકે, સરકારી કામકાજ યોગ્ય રીતે ચાલતું રહે તેના માટે તેઓ વિડીયો કોન્ફરન્સિંગથી કામ કરતા રહેશે.

તેમણે રાજયના લોકોને અપીલ કરી છે કે, બધા લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, ભીડથી બચે, સામાજિક હળવા-મળવાનું ઓછામાં ઓછું રાખે, જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે અને અન્ય બધા હેલ્થ પ્રોટોકોલ્સનું સંપૂર્ણ જવાબદારી સાથે પાલન કરે. ગેહલોતે કહ્યું કે, કોવિડ-૧૯ના વધતા સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેલ્થ પ્રોટોકોલનું પાલન જ મુખ્ય ઉપાય છે. પોતાનો બચાવ જાતે જ કરીને આ સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે.

આ ઉદ્દેશ્યથી તબીબોની સલાહ મુજબ મુખ્યમંત્રીએ આગામી એક સપ્તાહ સુધી કોઈની મુલાકાત ન કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન માત્ર સુશાસન માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લેશે. ઉલ્લેખનયી છે કે, ગત દિવસોમાં મુખ્યમંત્રી નિવાસ તેમજ કાર્યાલયમાં પણ લગભગ ૪૦ કર્મચારીઓ તેમજ મુખ્યમંત્રીની સુરક્ષા સાથે જોડાયેલા પોલીસકર્મીઓ તેમજ એસઆરપીના જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેને પગલે મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના નવા ૧૫૯૦ કેસ સામે આવ્યા છે. જયારે મૃતકોની સંખ્યા વધીને ૧૧૬૪ થઈ ગઈ છે. રાજયમાં મંગળવારે રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણથી ૧૩ લોકોના મોત થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં આ મહામારીથી ૧૧૬૪ લોકોના મોત થયા છે. જયપુરમાં અત્યાર સુધીમાં ૨૯૦, જોધપુરમાં ૧૧૩, બીકાનેરમાં ૮૪, કોટામાં ૮૩, અજમેરમાં ૭૯ અને ભરતપુરમાં ૭૩ લોકોના મોત થયા છે. તે સાથે સંક્રમણના ૧૫૯૦ નવા કેસોની સાથે રાજયમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા ૯૪,૧૨૬ થઈ ગઈ છે, જેમાંથી ૧૫,૦૯૦ દર્દીઓની સારવાર ચાલી રહી છે. નવા કેસોમાં જયપુરમાં ૩૨૫, જોધપુરમાં ૧૪૯, કોટામાં ૧૮૫ અને અલવરમાં ૧૧૭ સંક્રમણના નવા મામલા સામેલ છે.

(11:18 am IST)