Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિના કાફલા પર કાબુલમાં આતંકવાદી હુમલો: ત્રણ સાથીદારોના મોત :12ને ઇજા

પ્રચંડ વિસ્ફોટથી કારના ફુરચેફુરચા ઊડી ગયા:આસપાસની ઇમારતોનો પણ ભારે નુકસાન

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના કાફલા પર જીવલેણ  હુમલો થયો હતો. અમરુલ્લા સાલેહ જો કે ઊગરી ગયા હતા પરંતુ તેમના ત્રણ સાથીદાર માર્યા ગયા હતા અને બીજા બાર જણને ઇજા થઇ હતી.

પ્રારંભિક અહેવાલો મુજબ કાબુલના તૈમાની વિસ્તારમાં રોડ પર મૂકાયેલા બોંબનો વિસ્ફોટ થયો હતો. ઉપપ્રમુખના કાર્યાલયે હુમલાના અહેવાલને સમર્થન આપ્યું હતું.

સાલેહના પુત્ર એબાદ સાલેહે પોતે ટ્વીટર પર જણાવ્યું હતું કે હું અને મારા પિતા બંને સુરક્ષિત છીએ. અમારી સાથેની કોઇ વ્યક્તિ શહીદ થઇ નથી. બેશક, અમારા પર જીવલેણ હુમલો થયો હતો. અમે બધાં સુરક્ષિત છીએ.

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને આસપાસની ઇમારતોનો પણ ભારે નુકસાન થયું હતું. આ વિસ્ફોટથી આગ પણ લાગી હતી જે ફાયર બ્રિગેડને તરત બુઝાવી દીધી હતી. અફઘાન સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. આ હુમલા પાછળ પાકિસ્તાનના આતંકવાદી જૂથોનો હાથ હોવાનું મનાય છે.

સાલેહ પર ગયા વરસે પણ હુમલો થયો હતો જેમાં એ ઊગરી ગયા હતા પરંતુ એમની આસપાસના વીસ જણ માર્યા ગયા હતા.

અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્ફોટમાં અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો છે. સાલેહની મીડિયા ઓફિસના વડા રાજવાન મુરાદ કહે છે કે આતંકવાદી હુમલો નિષ્ફળ ગયો હતો અને સાલેહ સલામત અને સ્વસ્થ છે

(12:19 pm IST)