Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૪.૫ કરોડ લોકોના પરિવારને રાહત

EPF સભ્યનું આકસ્મિક મોત થશે તો હવે મળશે વારસને ૭ લાખની રકમ

હાલ ૬ લાખ મળે છે : સરકારે નિયમ બદલાવ્યો

કાનપુર તા. ૯ : કોરોના કાળમાં દેશભરમાં ૪.૫ કરોડ લોકોના પરિવાર માટે રાહતના સમાચાર છે. હવે કોઇ પણ ઇપીએફ સભ્યની અચાનક મૃત્યુ પર નોમિનીને વીમાના ૭ લાખ રૂપિયા મળશે. હાલમાં ૬ લાખ રૂપિયા સુધી જ આપવામાં આવે છે. ઇપીએફઓની પેન્શન ઇડીએલઆઇ કમિટિએ તેને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ પેન્શન સ્કીમ ૧૯૯૫ની સમાન નવી સ્કીમ લાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

ઇપીએફએ અંશધારકની બીમારી, અકસ્માત, અસમાયિક તેમજ સ્વભાવિક મોત પર ૧૯૭૬થી એમ્પ્લોયીઝ ડિપોઝીટ લિંકડ ઇન્શ્યોરન્સ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ અંગે ઇપીએફઓ કેન્દ્રીય ન્યાસી બોર્ડના સભ્ય હરભજનસિંહે જણાવ્યું કે, પેન્શન કમિટિએ નવા નિર્ણયને મંજૂરી આપી દીધી છે. હાઇ પાવર કમિટિ ગઠીત કરવામાં આવી છે. ઔપચારિક મુહર સીબીટીની બેઠકમાં લાગશે. ન્યુનત્તમ ઇન્સ્યોરન્સની રકમ અઢી લાખ જ રહેશે. તેઓએ કહ્યું કે, એનપીએસ હેઠળ પીએફ સભ્યો માટે નવી સ્કીમ લાવવામાં આવી રહી છે. બોર્ડ સભ્યોને એજન્ડા આપવામાં આવ્યો છે પરંતુ જોગવાઇને સ્પષ્ટ કરવામાં આવી નથી તેથી સોમવારે થયેલી પેન્શન - ઇડીએલઆઇ કમિટિમાં દરેક સભ્યોએ વિરોધ કર્યો. સભ્યોએ બેઠકમાં પૂછયું કે માંગ વગર નવી પેન્શન સ્કીમ લાવવાની જરૂરીયાત શું છે. હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે પેન્શન કર્મચારીઓનો અધિકાર છે ફરી ઇપીએફઓની નવી પેન્શન સ્કીમ સમજની બહાર છે. સભ્યોએ ઇપીએફઓની પેન્શન સ્કીમ ૧૯૯૫ને જ મજબુત કરવાની અપીલ કરી છે.

અંશધારકના અચાનક મોત પર વારસદાર અથવા કાયદાકીય ઉત્તરાધિકારી વીમા રાશિ માટે ફાર્મ-૫ ભરીને કલેમ કરી શકે છે. વારસદાર જો માઇનોર છે તેની તરફથી ગાર્જિયન કલેમ કરી શકે છે. તેના માટે ઇન્શ્યોરન્સ કંપનીને ડેથ સર્ટિફિકેટ, સકસેકશન સર્ટીફિકેટ અને બેંકની માહિતી આપવી પડશે.

(3:18 pm IST)