Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

તામિલનાડુમાં PM કિસાન સમ્માન નીધિમાં ૧૧૦ કરોડનું કૌભાંડ : ૧૮ લોકોની ધરપકડ

૮૦ જેટલા અધિકારીઓને હટાવાયા

નવી દિલ્હી તા. ૯ : મોદી સરકારની સૌથી મોટી સ્કીમમાં કૌભાંડ સામે આવ્યું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કેટલાક એવા લોકો વિશે જાણવા મળ્યું છે જે યોગ્ય ન હોવા છતાંય આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. તમિલનાડુ સરકારે ગરીબોને લાભ પહોંચાડનારી પ્રધાનમંત્રી કિસાન યોજનામાં ૧૧૦ કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો ખુલાસો કર્યો છે. નોંધનીય છે કે, છેતરપિંડી કરીને ૧૧૦ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી ઓનલાઇન ઉપાડવામાં આવી છે. ઇન્ડિયન એકસપ્રેસ મુજબ હાલ આ મામલામાં ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય સચિવ ગગનદીપ સિંહ બેદીએ કહ્યું કે, તેઓએ પહેલીવાર ઓગસ્ટમાં જોયું કે આ યોજનામાં અસામાન્ય રીતે લાભાર્થીઓની સંખ્યા વધી ગઈ છે. આવું ખાસ કરીને ૧૩ જિલ્લામાં થયું. બેદીએ કહ્યું કે ૧૮ લોકોને જે એજન્ટ કે દલાલ હતા, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે એગ્રીકલ્ચર સ્કીમ સાથે જોડાયેલા ૮૦ અધિકારીઓને ડિસમીસ કરી દેવામાં આવ્યા છે અને ૩૪ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

એગ્રીકલ્ચર વિભાગના અધિકારીઓએ ઓનલાઇન અરજી અનુમોદન પ્રણાલીનો ઉપયોગ કર્યો હતો અને અનેક લાભાર્થીઓને ગેરકાયદેસર રીતે જોડ્યા હતા. મોડસ ઓપરેન્ડીમાં સરકારી અધિકારી સામેલ હતા, જે નવા લાભાર્થીઓમાં જોડનારા દલાલોને લોગ ઇન અને પાસવર્ડ પૂરા પાડતા હતા અને તેમને ૨૦૦૦ રૂપિયા આપતા હતા.

સરકારે હાલમાં ૧૧૦ કરોડ રૂપિયામાંથી ૩૨ કરોડ રૂપિયાની વસૂલી કરી લીધી છે. તમિલનાડુ સરકારનો દાવો છે કે બાકી નાણા આગામી ૪૦ દિવસની અંદર પરત આવી જશે. કલ્લાકુરિચી, વિલ્લુપુરમ, કુડ્ડલોર, તિરુવન્નમલાઈ, વેલ્લોર, રાનીપેટ, સલેમ, ધર્મપુરી, કૃષ્ણગિરિ અને ચેંગલપેટ જિલ્લાથી આવ્યા હતા, જયાં કૌભાંડ થયું. મોટાભાગના નવા લાભાર્થી આ યોજનાથી અજાણ હતા કે આ યોજનામાં સામેલ નહોતા થઈ રહ્યા.

(3:54 pm IST)