Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

શોવિક ચક્રવર્તીને ૧૪ દિ'ના જ્યૂડિ. કસ્ટડીમાં મોકલાયો

રિયા ચક્રવર્તીએ જામીન માટે ફરી અરજી કરી : સુશાંત રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તપાસ શરૂ કરી દીધી હતી

મુંબઈ,તા.૯ : મંગળવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. જે બાદ આજે જામીન મેળવવા માટે રિયાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. દરમિયાન રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને પણ ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તપાસ શરૂ કરી હતી. એનસીબીએ ૪ સપ્ટેમ્બરે રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી. એનસીબીના ચાર દિવસના રિમાન્ડ બાદ આજે કોર્ટે શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, ઝૈદ વિલારા અને બાસિત પરિહારને ૧૪ દિવસની જ્યૂડિયશલ કસ્ટડીમાં મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મની લોન્ડ્રિંગના એંગલથી તપાસ કરી રહેલી ઈડીને ડ્રગ્સ સંબંધિત વિવિધ ચેટ મળી હતી. જેમાં ડ્રગ્સ લેવા, રાખવા અને વાપરવા સુધીની ચર્ચા હતી.

          શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની પૂછપરછ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેમની ધરપકડ કરી હતી. રિયાની વાત કરીએ તો, ત્રણ દિવસની પૂછપરછ બાદ મંગળવારે સુશાંતની ગર્લફ્રેન્ડની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે ધરપકડ કરી હતી. બુધવારે સવારે રિયાને એનસીબીની ઓફિસથી ભાયખલ્લા જેલમાં મોકલી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે રિયા ચક્રવર્તીની જામીન અરજી મંગળવારે ફગાવી દીધી હતી. જે બાદ રિયાની લીગલ ટીમે આજે સેશન્સ કોર્ટમાં તેના જામીન માટે અરજી કરી છે. આ કેસમાં હજી ચુકાદો આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, એનસીબીની તપાસમાં રિયા અને શોવિકે મોટા બોલિવુડ સેલેબ્સના નામ લીધા છે, જેઓ ડ્રગ્સ લે છે.

(7:36 pm IST)