Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ શાંતિ એવોર્ડ માટે નોમિનેટ કરાયા

યુએઈ-ઈઝરાયેલ વચ્ચેની સંધિ બદલ સરપાવ :ટ્રમ્પની મધ્યસ્થતા પછી જ ઇઝરાયલ-યુએઇએ શાંતિ સંધિ પર સહી કરી અને ૭૨ વર્ષના સંઘર્ષનો અંત આવ્યો હતો

વોશિંગ્ટન, તા. ૯ :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. નોર્વેના સાંસદે ટ્રમ્પને ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ સંધિ કરાવવા માટે નોમિનેટ કર્યા છે. ટ્રમ્પની મધ્યસ્થતા પછી જ ઇઝરાયલ અને યુએઇએ શાંતિ સંધિ પર સહી કરી હતી અને ૭૨ વર્ષના સંઘર્ષનો અંત આવ્યો હતો.

ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાતે ૧૩ ઓગષ્ટે જાહેરાત કરી હતી કે, તેઓ અમેરિકાની મધ્યસ્થતાથી થયેલી સંધિ હેઠળ પૂર્ણ કૂટનૈતિક સંબંધો વિકસાવી રહ્યા છે. ગત મહિને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે થયેલી થયેલી ટેલિફોનિક ચર્ચા પછી આ સંધિને મંજૂરી મળી હતી. જે પછી અમેરિકાએ આ સંધિને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં શાંતિનો સંદેશ ગણાવી હતી.

આ શાંતિ સંધિ હેઠળ ઇઝરાયલે પશ્ચિમ તટના કેટલાક ભાગોને પોતાના અધિકારમાં લેવાની યોજના પર રોક લગાવવી પડી હતી. ઇઝરાયલ અને યુએઇ વચ્ચે રોકાણ, પર્યટન, વિમાન સેવા, સુરક્ષા, દૂરસંચાર અને અન્ય મુદ્દાઓ પર દ્રિપક્ષીય સંધિ કરવાનો નિર્ણય લેવાયો હતો. બંને વચ્ચે પહેલા વેપારી વિમાને પણ ઉડાન ભરી હતી.

(9:41 pm IST)