Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

અફઘાનિસ્તાનના ઉપપ્રમુખ પર હુમલો, માંડમાંડ બચ્યા

પાંચ સાથીદારનાં મોત, ૧૨ને ઈજા : કાબુલના તૈમાનીમાં રોડ પર મૂકાયેલા બોંમ્બનો વિસ્ફોટ

કાબુલ, તા. ૯ :અફઘાનિસ્તાનના ઉપપ્રમુખ અમરુલ્લાહ સાલેહના કાફલા પર બુધવારે સવારે જીવલેણ હુમલો થયો  હતો. અમરુલ્લા સાલેહ જો કે ઊગરી ગયા હતા પરંતુ તેમના પાંચ સાથીદાર માર્યા ગયા હતા અને બીજા ૧૨ જણને ઇજા થઇ હતી. પ્રારંભિક અહેવાલો મુજબ કાબુલના તૈમાની વિસ્તારમાં રોડ પર મૂકાયેલા બોંમ્બનો વિસ્ફોટ થયો હતો. ઉપપ્રમુખના કાર્યાલયે હુમલાના અહેવાલને સમર્થન આપ્યું હતું. સાલેહના પુત્ર એબાદ સાલેહે પોતે ટ્વીટર પર જણાવ્યું હતું કે હું અને મારા પિતા બંને સુરક્ષિત છીએ. અમારી સાથેની કોઇ વ્યક્તિ શહીદ થઇ નથી. બેશક, અમારા પર જીવલેણ હુમલો થયો હતો. અમે બધાં સુરક્ષિત છીએ. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને આસપાસની ઇમારતોનો પણ ભારે નુકસાન થયું હતું. આ વિસ્ફોટથી આગ પણ લાગી હતી જે ફાયર બ્રિગેડને તરત બુઝાવી દીધી હતી. અફઘાન સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. આ હુમલા પાછળ પાકિસ્તાનના આતંકવાદી જૂથોનો હાથ હોવાનું મનાય છે.  સાલેહ પર ગયા વરસે પણ હુમલો થયો હતો જેમાં એ ઊગરી ગયા હતા પરંતુ એમની આસપાસના વીસ જણ માર્યા ગયા હતા.

(9:42 pm IST)