Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પાનસરમાં બોલ્યા અમિત શાહ '૨૦૨૪માં પણ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હશે'

પાનસર ગામ ખાતેથી ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોમાં રૂપિયા ૧૦ કરોડથી વધુના પ્રજાલક્ષી કામોનું ઇ-લોકાર્પણ - ખાતમુહૂર્ત કરાયું

નવી દિલ્હી તા. ૯ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે પાનસર ગામ ખાતેથી ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોમાં રૂપિયા ૧૦ કરોડથી વધુના પ્રજાલક્ષી કામોનું ઇ- લોકાર્પણ- ખાતમુહૂર્ત કરાયુ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે પાનસર ગામમાં નવીનીકરણ થનાર તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે તળાવની મુલાકાત લીધી હતી. તેમજ નવીનીકરણ કરાયા બાદ તળાવ કેવું બનશે તેની માહિતી મેળવી હતી. તેમજ તળાવની નજીક આવેલા બાબા રામદેવ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તેમજ તેમને મળવા આવેલા ગ્રામજનોનું નજીક જઇ અભિવાદન જીલ્યું હતું. તેમજ ગામના વડીલો સહિત યુવાનોને રસી લીધી કે નહિ તે અંગે પૂછતા હતા. તેમજ સર્વેને નવરાત્રિની શુભકામનાઓ પાઠવતા હતા.

એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું, દેશના વડાપ્રધાન પીએમ મોદી લોકસેવાની ભેખ લઈ નીકળ્યા છે, દેશમાં ૬૦ કરોડ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. તેમજ ૧૩ કરોડ લોકોને ગેસ કનેકશન, ૧૦ કરોડ ઘરમાં શોચાલય, અનેક ગામોને વીજ કનેકશન અને ૬૦ કરોડ વ્યકિતઓને આરોગ્યલક્ષી ૫ લાખ રૂપિયા નું આરોગ્ય કવચ આપવામાં આવ્યું છે. ૨૦૨૪માં પણ શ્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હશે. કોઇપણ કાર્ય પૂર્ણ કરવાનો હરખ તેમના ચહેરા પર તેઓ દેખાવા દેતા નથી. પરંતુ બીજા કામને સાકાર કરવાનું મનોમંથન કરવાનું તેઓ શરૂ કરે છે.

અમિત શાહે પાનસર ગામના તળાવના નવીનીકરણ અંગે કહ્યું કે કાલે આ ગામના તળાવનો વીડિયો લઈ લેજો અને ત્યારબાદ આ તળાવનું માર્ચમાં કામ પતે ત્યારનો વીડિયો લઈ લેજો. તમને વિકાસની ખબર પડશે. તળાવમાં લાઇટીંગ હશે, બહાર અલ્પાહારની લારીઓ ઊભી રહી શકશે લોકોને રોજગારી પણ મળશે, પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ થશે.

(10:58 am IST)