Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

એર ઇન્ડિયા ટાટાને નવી ઊડાન આપશે કે ડુબાડશે?

ટાટા સન્સ વર્તમાન એવિએશન સાહસ એરએશિયા ઇન્ડિયા અને વિસ્તારામાં મોટું નુકસાન સહન કરી રહી છે

નવી દિલ્હી, તા.૯: ટાટા સન્સે એર ઇન્ડિયાને ૧૮૦૦૦ કરોડમાં ખરીદવાની બોલી લગાવીને જીતી છે. પરંતુ ટાટા માટે દેવા હેઠળ ડૂબેલી એર ઇન્ડિયા પર ખર્ચ કરવાની આ માત્ર શરૂઆત છે. એર ઇન્ડિયાને બિઝનેસમાં જાળવી રાખવા માટે વધુ સંસાધનો ખર્ચ કરવા પડશે. બની શકે છે કે કંપનીને ડિજિટલ, હાઇટેક મેન્યુફેકચરિંગ અને હેલ્થકેર સેકટરમાં મહત્વાકાંક્ષી પગલાં લેવા પડી શકે છે. રતન ટાટાએ પણ એમ કહી ચૂકયા છે કે એર ઇન્ડિયાના ફરી ઉભી કરવા માટે દ્યણી મહેનત કરવી પડશે.

ટાટા સન્સની બેલેન્સ શીટ નવા ઉભરતા ઉદ્યોગોમાં રોકાણની તીવ્રતાને પ્રતિબિંબિત કરે છે. કારણ કે ટાટા સન્સ માર્કેટમાં ભવિષ્યની વૃદ્ઘિની તકનો લાભ લેવાનું વિચારે છે અને તેમાંથી ઓછામાં ઓછી એક કંપનીને ટીસીએસ જેવી કમાણી કરતી કંપનીમાં ફેરવવાનું લક્ષ્ય ધરાવે છે. TCS ટાટા સન્સની આવકમાં ૮૫% થી વધુ ફાળો આપે છે, જે ગ્રુપ ઓફ કંપનીમાં સૌથી વધુ છે.

જો કે, ટાટા સન્સ માટે એર ઇન્ડિયા પાછળ ભંડોળ ખર્ચ કરવાની કોઈ સમસ્યા રહેશે નહીં કારણ કે તે હાલ સ્ટીલ અપસાઇકલ, ટીસીએસનું સતત ધમાકેદાર પ્રદર્શન અને તેની ઓપરેટિંગ કંપનીઓના પ્રભાવશાળી બજાર મૂડીકરણનો લાભ માણી રહી છે. ટાટા સન્સના રોકાણની બજાર કિંમત ૧૨ લાખ કરોડ રૂપિયાથી વધુ છે, જયારે કંપની પર ૨૫,૩૯૬ કરોડનું દેવું છે. એટલે કે, ટાટા સન્સ ખૂબ જ આરામદાયક સ્થિતિમાં છે. બેલેન્સશીટની આ સ્થિતિ તેને પોતાના રોકાણોનું મોનેટાઇઝેશન કરીને મૂડી ઊભી કરવાની મંજૂરી પણ આપે છે.

તાજેતરમાં ટાટા સન્સે BigBasket, 1MG અને તેજસ નેટવકર્સ ખરીદવા માટે નોંધપાત્ર રકમ ખર્ચ કરી છે અને હવે બિઝનેસના પ્રતિસ્પર્ધકોને હરાવવા માટે વધુ ખર્ચ કરવાની યોજના ધરાવે છે. જોકે કેટલાક માને છે કે એવિએશન એક ખૂબ જ ખર્ચાળ અને નાણાં ગુમાવનાર સાહસ તરીકે ઓળખાય છે. એવિએશન ક્ષેત્ર ટાટા જૂથની ઉડાનને થોડી નીચે લાવી શકે છે. મુંબઈમાં ટાટા ગ્રુપનું મુખ્ય મથક બોમ્બે હાઉસે અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૫ સુધી વ્યવસાય નફો નહીં કરે, જયારે વૈશ્વિક ફ્લાઈટ ટ્રાફિક પૂર્વ-કોવિડ સ્તરે પાછો આવે તેવી અપેક્ષા છે.

ટાટા સન્સના વર્તમાન એરલાઇન સ્ટાર્ટઅપમાં એરએશિયા ઇન્ડિયા અને વિસ્તારાનો સમાવેશ થાય છે. ટાટાએ તેના મારફત એવિએશનની કામગીરી શરૂ કરી ત્યારથી આ બંનેમાં ૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. કંપનીને અત્યાર સુધીમાં ૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. તેવામાં ટાટા સન્સને એર ઇન્ડિયા ઉડતી રાખવા માટે તેના પર પણ ખૂબ મોટું ભંડોળ ખર્ચવું પડશે.

(12:02 pm IST)