Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

'ઘરેથી કામ કરનારને GST નંબરની ફાળવણી નહીં કરવાનું કૃત્ય અયોગ્ય'

કોલકાતા હાઇકોર્ટનો ચુકાદોઃ ગુજરાતમાં પણ અમલી બને તો ફાયદો અન્ય રાજયના ચુકાદાનો અમલ કરવામાં હજુ પણ ગુજરાતમાં મૂંઝવણ

નવી દિલ્હી, તા.૯: ઘરેથી કામ કરનારને સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જીએસટી નંબરની ફાળવણી કરવામાં આવતી નહીં હોવાના કારણે અનેક નાના વેપારીઓ છેલ્લા ત્રણેક માસથી પરેશાની ભોગવી રહ્યા છે. તેવા સમયે કલકત્તા હાઈકોર્ટે ઘરેથી કામ કરનારને જીએસટી નંબરની ફાળવણી નહીં કરવી યોગ્ય નહીં હોવાની વાત કરીને નંબર ફાળવણી કરવાનો આદેશ કર્યો છે. જેથી ગુજરાતમાં પણ તેનો અમલ થાય તેવી આશા વેપારીઓમાં સેવી રહ્યા છે.

સ્ટેટ જીએસટી દ્વારા છેલ્લા કેટલાય સમયથી ઘરેથી કામ કરનારને જીએસટી નંબરની ફાળવણી કરતા નથી. તેમજ નવા નવા નિયમો બતાવીને તે અરજી નામંજુર કરી દેવામાં આવે છે. તેના કારણે નાના વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે. તેમજ આ મુદે સ્ટેટ જીએસટી કમિશનરને લેખિતમાં ફરીયાદ કરવા છતાં હજુ પણ કોઇ નિરાકરણ લાવવામાં આવ્યુ તથી. તેવા સમયે કલકત્તા હાઇકોર્ટે દાખલારુપ ચુકાદો આપ્યો છે. તેમજ હાઇકોર્ટે એવુ પણ નોંધ્યુ છે કે ઘરેથી કામ કરનારને જીએસટી નંબરની ફાળવણી નહીં કરવી તે યોગ્ય કારણ નથી. જેથી તેઓને નંબરની ફાળવણી કરવામાં આવવી જોઇએ તેવો આદેશ કર્યો છે. જોકે આ આદેશ કલકત્તા હાઇકોર્ટે કર્યો હોવાના કારણે ગુજરાતમાં પણ તેનો અમલ કરવામાં આવે તેવી શકયતા ઉભી થઇ છે. પરંતુ ભુતકાળમાં અન્ય રાજય સરકાર દ્વારા આપવામાં આવેલા ચુકાદાને સ્ટેટ જીએસટીના અધિકારીઓ માન્ય રાખતા નહીં હોવાની પણ હકીકતો જાણવા મળી છે. જેથી આ યુકાદોનો પણ અમલ કરવામાં આવશે કે પછી ઘરેથી કામ કરનાર અને જીએસટી નંબર લેવા માટે અરજી કરનારાઓએ હેરાનગતિ વેઠવી પડશે તે મુદે હાલ તો અસમંજસ જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ વિવર્સોને ક્રેડિટ કેરી ફોરવર્ડ કરી આપવાનો ચુકાદો કરદાતાની તરફેણમાં આપ્યો હોવા છતાં આ ચુકાદાનો અમલ કરવાને બદલે જીએસટી વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. તેના લીધે સુરતના વિવર્સોના ૫૦ કરોડથી વધુની રકમ હજુ પણ તેઓને મળી નથી. તેના લીધે આ ચુકાદાનો પણ અમલ મુદ્દે કેવો નિર્ણય થાય છે તે તો આગામી સમય જ કહેશે.

(1:05 pm IST)