Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ભાજપથી નારાજ વરૂણ ગાંધી કોંગ્રેસમાં જોડાય તેવા સંકેત

નવી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાંથી વરૂણ ગાંધીની બાદબાકી : વરૂણ ગાંધીના પ્રિયંકા સાથે સારા સબંધ રહ્યા છે અને પ્રિયંકાનું પ્રભુત્વ જોતા વરૂણ કોંગ્રેસ તરફ વળે તેવો અણસાર

નવી દિલ્હીતા. ; ભારતીય જનતા પાર્ટીએ ગત ગુરૂવારે નવી રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્યોની જાહેરાત કરી હતી જેમાં પાર્ટી કે સરકારની નીતિઓના ટીકાકારોને રજા આપી દેવામાં આવી છે. તેમાં કેટલાક પ્રમુખ નામો છે- વરૂણ ગાંધી, મનેકા ગાંધી, ડો. સુબ્રમણ્યમ સ્વામી, કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્ર સિંહ અને વિનય કટિયાર. ભાજપના કહેવા પ્રમાણે નવા લોકોને તક મળી શકે તે માટે કેટલાક જૂના નેતાઓને સામેલ નથી કરવામાં આવ્યા.

પાર્ટી ભલે ગમે તેવી સ્પષ્ટતા કરે પરંતુ એટલું ચોક્કસ છે કે, ભાજપ એક સંદેશો આપવા માગે છે કે, પાર્ટીમાં રહીને જનતા વચ્ચે પાર્ટી કે સરકાર વિરૂદ્ધ બોલવામાં આવે તે નહીં સહન કરવામાં આવે. તમામ નેતાઓ છેલ્લા કેટલાક સમયથી પાર્ટી હાઈકમાનથી નારાજ હતા તથા પાર્ટી અને સરકારની સામે બોલી રહ્યા હતા.

બધામાં વરૂણ ગાંધીનું નામ સૌથી વધારે ચર્ચામાં છે. ૨૦૧૯માં વરૂણ ગાંધી ભાજપની ટિકિટ પર સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. છેલ્લા ઘણાં સમયથી તેઓ ધીરજપૂર્વક વાતની પ્રતીક્ષા કરી રહ્યા હતા કે, ક્યારેક તો તેમને કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવશે. જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું પુનર્ગઠન કર્યું, અનેક નવા ચહેરાઓને સ્થાન અપાયું અને વરૂણ ગાંધીનું નામ નહોતું આવ્યું ત્યારે તેમની ધીરજનો બાંધ તૂટ્યો હતો.

છેલ્લા એક મહિનાથી વરૂણ ગાંધી આંદોલનકારી ખેડૂતો પ્રત્યે વધારે પડતો પ્રેમ દાખવવા લાગ્યા છે. તેઓ ખેડૂતોના સમર્થનમાં એક પછી એક ટ્વિટ કરી રહ્યા હોવાથી નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે કે, ટ્વિટ કોંગ્રેસવાળા ગાંધી કરી રહ્યા છે કે, ભાજપવાળા ગાંધી.

ઉપરાંત વરૂણ ગાંધીનું એક નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, કાર્યકારિણીમાંથી દૂર કરવામાં આવે તેનો તેમને કોઈ ફરક નથી પડતો કારણ કે, છેલ્લા વર્ષથી તેઓ તેની બેઠકોમાં સામેલ પણ નથી થઈ રહ્યા. મતલબ કે, તેમની દિલચસ્પી પાર્ટીમાં ઓછી અને સરકારમાં વધારે હતી.

તે સિવાય મેનકા ગાંધીને ભલે વ્યક્તિગત કારણોથી સોનિયા ગાંધી માટે નફરત હોય પરંતુ વરૂણ ગાંધીને પ્રિયંકા દીદી સાથે હંમેશા સ્નેહ સંબંધ રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, ભાજપ અને વરૂણ ગાંધીમાંથી કોણ પહેલ કરે છે અને ગુડ બાય કહે છે. જોકે પ્રિયંકા ગાંધી હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા બની ચુક્યા છે અને ગાંધી પરિવાર, કોંગ્રેસ પાર્ટી વરૂણનું સ્વાગત કરવા માટે તૈયાર જણાય છે.

(7:13 pm IST)