Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

2022ની વિધાનસભા ચૂંટણીમાં લાયક ઉમેદવારને જ ભાજપ ટિકિટ આપશે: સગાવાદ લાગવગ નહી ચાલે. સીઆર પાટિલ

આ વખતે કોઇ પોતાના સબંધોના આધાર પર ટીકીટ લઇ આવે તો તે વાત ભૂલી જજો: પ્રદેશ અધ્યક્ષની સ્પષ્ટ વાત

સોમનાથ :ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના કાર્યાલયનું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટિલ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું,પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ સાંનિધ્યમાં દેશનું પ્રથમ કમળ આકારનું જિલ્લા સંગઠનનું કાર્યાલય બનાવવાનો નિર્ણય કરાયો છે. આ કાર્યાલયને ગીર સોમનાથ ભાજપ દ્વારા સોમ કમલમ નામ આપવામાં આવ્યુ છે. સીઆર પાટિલે આ દરમિયાન 2022ની વિધાનસભા ચૂંટણીને લઇને સૂચક નિવેદન કર્યુ હતુ.

સીઆર પાટિલે કહ્યુ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં લાયક ઉમેદવારને જ ભાજપ ટિકિટ આપશે, સગાવાદ નહી ચાલે. આ વખતે કોઇ પોતાના સબંધોના આધાર પર ટીકીટ લઇ આવે તો તે વાત ભૂલી જજો.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે વધુમાં જણાવ્યુ કે, હવે સચિવાલયમાં કોઇ રોકશે નહી કે તમારી સાથે કોઇ ઉદ્ધતાઇ પણ નહી થાય. સાથે જ કોઇ પ્રશ્ન હોય તો ગાંધીનગરની મુલાકાત લેવા જણવ્યુ હતુ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠક જીતવાના દ્રઢ નિર્ધાર કરી કામે લાગી જવા કાર્યકરોને આહવાન કર્યુ હતુ.

 

સીઆર પાટિલે કહ્યુ કે, મુખ્યમંત્રી અને આખી સરકાર બદલાવ્યા બાદ હવે નાના કાર્યકર્તાને પણ ટિકિટ મળવાની ઉજળી તક સાથે આશા બંધાઇ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોઇ લાગવગ ચાલશે નહી. આ વખતે કોઇ પોતાના સબંધોના આધાર પર ટિકિટ લઇ આવે તો તે વાત ભૂલી જજો, જેને પાર્ટી કાર્યકર્તાઓનો સપોર્ટ અને લોકોમાં સારી ઇમેજ હશે તેવા લોકોને ટિકિટ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્લીના લોટસ ટેમ્પલ જેવી જ ડિઝાઇન સાથે બનનાર આ સોમ કમલમ કાર્યાલય તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે. જેમાં 400 અને 150 લોકોની ક્ષમતા ધરાવતા 2 ઓડીટોરીય હોલ સાથે કોન્‍ફરન્‍સરૂમ, ધારાસભ્‍ય, સાંસદ સહિતનાની જુદી જુદી કેબીનો, મીટીગ હોલ, કીચન, સ્‍ટોરરૂમ, પાર્કીગ સહિતની સુવિધા હશે.

 

(7:29 pm IST)