Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કાંગોમાં નાવ પલટતા 50થી વધુ લોકોના મોત : 60 થી વધુ લોકો ગાયબ : 39 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા

ક્ષમતા કરતા વધુ મુસાફરોને કારણે દૂર્ઘટનાની આશંકા :પ્રાંતીય અધિકારીઓએ ત્રણ દિવસ માટે શોકની જાહેરાત કરી

કાંગો: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં નાવ પલટતા 50થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો ગાયબ છે. આ દૂર્ઘટના કાંગો નદીમાં બની હતી. ઉત્તર પશ્ચિમી પ્રાંત મોંગાલાના ગવર્નરના પ્રવક્તા નેસ્ટર મેગબાડોએ જણાવ્યુ કે 51 શબ મળ્યા છે જ્યારે 60થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ દૂર્ઘટનામાં 39 લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે.

પ્રવક્તાએ જણાવ્યુ કે નાવમાં મુસાફરોના સવાર થયા પહેલા તેમની ગણના કરવામાં આવી નહતી. એવામાં નાવની સીટિંગ કેપેસિટીને જોઇને લાપતા લોકોની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, તેમણે જણાવ્યુ કે સર્ચ અને રેસક્યૂ ઓપરેશન ચાલુ છે. અમે આશા કરી રહ્યા છીએ કે વધુમાં વધુ લોકોને જીવતા બચાવી શકાય.

મેગબાડોએ જણાવ્યુ કે દૂર્ઘટના રાત દરમિયાન ખરાબ હવામાનને કારણે અથવા વધુ ભીડભાડને કારણે થઇ હશે. દૂર્ઘટનામાં મૃતકોની સંખ્યા શોધવા માટે વધુ સમય રાહ જોવી પડશે. પ્રાંતીય અધિકારીઓએ ત્રણ દિવસ માટે શોકની જાહેરાત કરી છે.

કાંગોમાં નાવ દૂર્ઘટના સામાન્ય વાત છે, કારણ કે તેમાં અવાર નવાર ક્ષમતા કરતા વધુ મુસાફર સવાર થાય છે. સાથે જ યાત્રા દરમિયાન વધુ લોકો લાઇફ જેકેટ પહેરતા નથી. આ વર્ષે ફેબ્રુઆરી-મે- નદોમ્બે પ્રાંતમાં કાંગો નદીમાં નાવ પલટતા મોટી દૂર્ઘટના સર્જાઇ હતી. જેમાં 60 લોકોના મોત થયા હતા. નાવમાં 700થી વધુ મુસાફર સવાર હતા. તપાસમાં ખબર પડી કે ક્ષમતા કરતા વધુ મુસાફર સવાર હોવાને કારણે આ દૂર્ઘટના સર્જાઇ હતી.

(7:40 pm IST)