Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

યુપીમાં બળાત્કાર પીડિતાની પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા : આરોપી સામે કાર્યવાહીના ન થતા મહિલાએ ઝેર ગટગટાવ્યું

તેના પતિએ પોલીસ પર બળાત્કારના આરોપીને બચાવવાનો આરોપ લગાવ્યો

યુપીના આઝમગઢમાં ન્યાયના અભાવે પરેશાન થઈને બળાત્કાર પીડિતાએ પોલીસ સમક્ષ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં બળાત્કાર પીડિતાએ આત્મહત્યા કરી છે . બળાત્કારના આરોપીઓ સામે કાર્યવાહી ન થવાથી પીડિતાને ભારે આઘાત લાગ્યો હતો. જેથી તે પોલીસ સ્ટેશન પહોંચી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

તેણે પોલીસ સ્ટેશન પરિસરમાં જ ઝેર પીને આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બળાત્કાર પીડિતા છેલ્લા 1 અઠવાડિયાથી પોલીસ સ્ટેશન અને CO ઓફિસના ધક્કા ખાઈ રહી હતી. પરંતુ જ્યારે તેની ફરીયાદ કોઈએ ધ્યાને ન લીધી ત્યારે તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું.

આ ઘટના આઝમગઢના મહેનાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પીડિત મહિલાએ પોલીસ સ્ટેશન પરિસરમાં ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી હતી. સાથે જ તેના પતિએ પોલીસ પર બળાત્કારના આરોપીને બચાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના સમાચારને કારણે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ પીડિતાના મોત બાદ પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

મહિલાએ ઝેર પીધાની સાથે જ પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પીડિતાના પરિવારે પોલીસની બેદરકારીનો આરોપ લગાવતા કાર્યવાહીની માંગ કરી છે. તે જ સમયે, એસપીનું કહેવું છે કે, બળાત્કારનો કેસ પહેલાથી જ નોંધાયેલ છે. પોલીસનું કહેવું છે કે આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

મહિલા સાથે બળાત્કારની ઘટના 5 ઓક્ટોબરની છે. કેટલાક લોકો બળજબરીથી તેના ઘરમાં ઘૂસ્યા અને તેને ખેંચીને સ્કૂલની પાછળ લઈ ગયા. આ દરમિયાન તેણી પર બળાત્કાર થયો હતો. તેણે વિરોધ કર્યો ત્યારે તેને માર પણ મારવામાં આવ્યો હતો. આ સાથે આરોપીએ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ પીડિતાએ મહેમજપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેમણે આરોપ લગાવ્યો કે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

(11:39 pm IST)