Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જમ્મુ -કાશ્મીરમાં એકસામટા 50 સરપંચો અને પંચોના સામૂહિક રાજીનામાં : પીડીપીએ કહ્યું ભાજપની ખુલી પોલ

ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વચન મુજબ સશક્તિકરણ ન કરવા, બિનજરૂરી દખલગીરી અને પ્રદેશના લોકો સુધી પહોંચવાના કાર્યક્રમોમાં વહીવટીતંત્ર દ્વારા તેમની અવગણના કરવાનો આરોપ લગાવ્યો :30 સરકારી વિભાગોના કામોમાં ગ્રામસભાના હિસ્સાનું વચન "ક્રૂર મજાક" સાબિત

જમ્મુ -કાશ્મીરમાં અંદાજે  50 સરપંચો અને પંચોએ સામૂહિક રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે, શનિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે અહીં રામબન જિલ્લાના બે બ્લોકના લગભગ 50 સરપંચો અને પંચોએ વિવિધ મુદ્દાઓ પર સામૂહિક રાજીનામા આપ્યા છે

 . અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વચન મુજબ સશક્તિકરણ ન કરવા, બિનજરૂરી હસ્તક્ષેપ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકો સુધી પહોંચવાના કાર્યક્રમોમાં વહીવટીતંત્ર દ્વારા તેમની અવગણના કરવાનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું છે. ગ્રામીણ સંસ્થામાં પ્રતિનિધિઓના રાજીનામા બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) એ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, "કાલ્પનિક સામાન્યતા અને જે આડંબર બતાવવામાં આવી રહી હતી તે ખુલ્લી પડી ગઈ છે." અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લા પંચાયત અધિકારી અશોક સિંહ. વિરોધ કરનારા સભ્યોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી છે અને તેમના રાજીનામા પાછા ખેંચવા વિનંતી કરી છે અને ખાતરી આપી છે કે તેમની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે. સિંહ અને રાજીનામા આપનારા પ્રતિનિધિઓની બીજા તબક્કાની બેઠક સોમવારે પ્રસ્તાવિત છે.

    અધિકારીઓએ જણાવ્યું કે, બનિહાલ અને રામસુ બ્લોકના લગભગ 50 સરપંચો અને પંચોએ શુક્રવારે તાકીદની બેઠક બાદ બ્લોક વિકાસ પરિષદના અધ્યક્ષને સામુહિક રીતે રાજીનામું આપ્યું હતું. સરપંચ ગુલામ રસૂલ મટ્ટુ, તનવીર અહમદ કટોચ અને મોહમ્મદ રફીક ખાને આરોપ લગાવ્યો કે સરકારે તેમને આપેલા વચનો હજુ કાગળ પર જ સિમિત છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની અવગણના કરવામાં આવી રહી છે અને વિકાસના કામોમાં બિનજરૂરી રીતે દખલ કરવામાં આવી રહી છે જ્યારે 30 સરકારી વિભાગોના કામોમાં ગ્રામસભાના હિસ્સાનું વચન "ક્રૂર મજાક" સાબિત થઈ રહ્યું છે. જનસંપર્ક અભિયાનના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાનોની તાજેતરની મુલાકાતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર તેમના પ્રોટોકોલનું સન્માન કરી રહ્યું નથી અને સરકારને ગેરમાર્ગે દોરવા માટે માત્ર પસંદગીના પ્રતિનિધિઓને મંત્રીઓને મળવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે

પંચ અને સરપંચોના બે પાનાના રાજીનામા ટ્વિટર પર શેર કરતા પીડીપીના પ્રવક્તા મોહિત ભાને લખ્યું કે, '55 પંચો અને સરપંચોએ સામૂહિક રાજીનામું આપ્યું છે. કાલ્પનિક સામાન્ય સ્થિતિ અને આડંબર દર્શાવવામાં આવી રહી હતી તે ખુલ્લી પડી ગઈ છે. સરકાર આ જનપ્રતિનિધિઓને ન તો સુરક્ષિત રાખી શકે છે અને ન તો જનકલ્યાણ માટે તેમને સશક્ત બનાવી શકે છે. “આ સામૂહિક રાજીનામાએ લોકશાહીને ગ્રાસરૂટ લેવલ પર લઈ જવાના સરકારના દાવાને ખુલ્લો પાડ્યો છે. કેન્દ્રીય પ્રધાનોની તાજેતરની મુલાકાતો દરમિયાન પંચો અને સરપંચોને અવગણવામાં આવ્યા હતા અને વહીવટીતંત્ર તેમને શણગારની વસ્તુઓ માને છે.

(11:52 pm IST)