Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીમાં TMC પ્રચારકોમાં બાબુલ સુપ્રિયો અને નુસરત જહાનો સમાવેશ નહીં

અભિષેક બેનરજી ,મિમી ચક્રવર્તી, દેવ, રાજ ચક્રવર્તી અને સયાની ઘોષ તેમજ સુબ્રતા મુખરજી, ફિરહાદ હકીમ, સૌગાતા રોય, અરુપ બિશ્વાસ પણ પેટાચૂંટણીના સ્ટાર પ્રચારકોમાં સમાવેશ

કોલકાતાઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપમાંથી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં જોડાયેલા બાબુલ સુપ્રિયો શાસક પક્ષે ૩૦ ઓક્ટોબરે યોજાનારી ચાર બેઠકોની પેટાચૂંટણીના પક્ષના સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન પામતા નથી. આ ઉપરાંત અભિનેત્રીમાંથી રાજકારણી બનીને નુસરત જહાં પણ આ યાદીમાં નથી, કારણ કે તે પણ અભિનેતામાંથી રાજકારણી બનેલા ભાજપના નેતા સાથેના સંબંધોને લઈને વિવાદમાં છે.

તૃણમૂલના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી પેટાચૂંટણી જીત્યા પછી સ્ટાર પ્રચારકોમાં મુખ્ય પ્રચારક છે. બીજા સ્ટાર પ્રચારકમાં તેમનો ભત્રીજો અભિષેક બેનરજી છે. જ્યારે બીજા પ્રચારકોમાં કલાકારમાંથી રાજકારણી બનેલા મિમી ચક્રવર્તી, દેવ, રાજ ચક્રવર્તી અને સયાની ઘોષ છે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના પીઢ નેતાઓ સુબ્રતા મુખરજી, ફિરહાદ હકીમ, સૌગાતા રોય, અરુપ બિશ્વાસ પણ પેટાચૂંટણીના સ્ટાર પ્રચારકો છે.

નુસરત જહાં અને બાબુલ સુપ્રિયો આ યાદીમાંથી ગુમ થયેલા જાણીતા નામો છે. આ વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં જહાંએ સક્રિય રીતે પ્રચાર કર્યો હતો. જ્યારે ભવાનીપુર પેટાચૂંટણી વખતે સુપ્રિયો ભાજપમાંથી ટીએમસીમાં જોડાયો હતો. અહેવાલ મુજબ તેણે મમતા બેનરજીને વિનંતી કરી છે કે તેની લાંબા સમયની ભાજપની મિત્ર પ્રિયંકા ટિબરવાલ સામે પ્રચાર કરવાનું તેને યોગ્ય લાગતું નથી તેથી તેને તેમ ન કરવા દેવાય. મમતાએ તેની વિનંતી માન્ય રાખી હતી.

આ દરમિયાન ભાજપના સ્ટાર કેમ્પેઇનરોની યાદીમાં મોટા માથાનો સમાવેશ થાય છે. તેમા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની છે. આસામના મુખ્યપ્રધાન હિમન્તા બિસ્વા સરમા છે. બિહારના સાંસદ ગિરિરાજ સિંહ છે. રાજ્યની અંદર જોઈએ તો પક્ષે પીઢ નેતાઓ રાષ્ટ્રીય ઉપપ્રમુખ દિલીપ ઘોષ, વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને ભાજપના બંગાળના વડા સુકાંત મજમુદારને પ્રચાર માટે ઉતાર્યા છે.

(12:17 am IST)