Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પૈકી 9 બેઠકો પર કેસરિયો લહેરાયો: વાઘોડિયામાં અપક્ષ વિજયી

ચૂંટણીની જાહેરાત પૂર્વ જ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલારનો ડભોઇ બેઠક પરથી કારમો પરાજય

વડોદરા શહેર અને જિલ્લાની કુલ 10 બેઠકો પૈકી 9 બેઠકો પર કેસરિયો લહેરાયો છે, જ્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ વિજય મેળવી મધુ શ્રીવાસ્તવ સહિત ત્રણ દિગગજો ને હાર આપી છે જેમાં 2017માં કોંગ્રેસે બે બેઠક મેળવી હતી પરંતુ આ વખતે એકેય બેઠક કોંગ્રેસ મેળવી શકી નથી.

આજે મતગણતરી ના દિવસે તે ત્રણ બેઠકો પૈકી પાદરા બેઠક પર થી બળવાખોરો માટે ખરાબ અને ભાજપ માટે શુભ સમાચાર ની શરૂઆત થઈ,વાઘોડિયા, ડભોઇ અને પાદરા બેઠક પર બળવાખોરો નો પરાજય થયો છે, પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દીનું મામા એ જે બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તે પાદરા બેઠક કોંગ્રેસ પાસે હતી જેના પર ભાજપ ના ચૈતન્ય સિંહ ઝાલાનો વિજય થયો છે, અપક્ષ દીનું મામા અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર નો પરાજય થયો, ભજપ ના બળવાખોર દીનું મામા કોંગ્રેસ ને હરાવી ભાજપ ને મદદ કરી, જે હાલ વિજેતા બન્યા તે ભાજપના ચૈતન્ય સિંહ ઝાલા પર દીનું મામા એ આરોપ લગાવ્યો હતો કે ચૈતનયસિંહની વરવી ભૂમિકાને કારણે 2017 માં.તેઓનો પરાજય થયો હતો.કોંગ્રેસના ઉમેદવારે કબૂલ કર્યું હતું કે હાલ દીનું મામાને લીધે તેઓનો પરાજય થયો

આખા ગુજરાતની જેની પર મીટ મંડાયેલી હતી તે વાઘોડિયા બેઠક પરથી ભાજપ ના બીજા બળવાખોર નો પરાજય થયો, મધુ શ્રીવાસ્તવની તો હાર થઈ છે. ભાજપના ઉમેદવાર જેઓ જિલ્લા સંગઠન ના પ્રમુખ પણ છે તે અશ્વિન પટેલનો પણ પરાજય થયો, કોંગ્રેસે પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ ને આ બેઠક પરથી જંગમાં ઉતાર્યા હતા તેઓ પણ કાઈ ખાસ ઉકાળી શક્યા નહી પરંતુ 2017ની ચૂંટણીમાં બીજા ક્રમે રહેલા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો. જેમાં જિલ્લામાં માત્ર આ બેઠક પર અપક્ષ નો વિજય થયો છે. જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી ટીકીટ મેળવવાના અથાગ પ્રયત્નો કર્યા પરંતુ તેઓને તો ટીકીટના મળી પરંતુ તેઓના મામા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમાને ભાજપે ચૂંટણી ના દિવસેજ પાર્ટી માંથી સસ્પેન્ડ કરી દીધા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને ભાજપ હવે સ્વીકારે છે કે કેમ ?? અને ધર્મેન્દ્રસિંહ ભાજપ પ્રવેશ કરશે કે કેમ તે આવનાર સમયમાં ખબર પડશે

ચૂંટણીની જાહેરાત પૂર્વજ ભાજપ માંથી કોંગ્રેસ માં આવેલ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર નો ડભોઇ બેઠક પરથી કારમો પરાજય થયો છે,ભાજપ ના શૈલેષ સોટ્ટા એ બીજી વાર વિજય મેળવી એ માન્યતા તોડી કે ડભોઇ બેઠક પરથી એક વખત જીતનાર બીજી વખત ધારાસભ્ય બની શકતો નથી,શૈલેષ સોટ્ટા સળંગ બીજી વાર વિજેતા બન્યા.

 

આ તો થઈ બળવાખોરોની વાત પરંતુ વડોદરા ની અન્ય એક બેઠક પણ હતી જેના પર સમગ્ર સંગઠન અને ખુદ વડાપ્રધાન ની પણ નજર હશે,75 વર્ષ ની વય મર્યાદા વટાવી ચુકેલ એક માત્ર ધારાસભ્ય યોગેશ પટેલ ને પાર્ટી એ નિયમો તોડી 8 મી વાર ચૂંટણી લડવાનો તો મોકો આપ્યો પરંતુ રેકોર્ડ માર્જિન થી જીત પણ મેળવી, વડોદરા માં નહિ જાણીતા એવા ડ્રો તશ્વિન સિંઘ ને કોંગ્રેસે માંજલપુર બેઠક ના ઉમેદવાર બનાવી કોંગ્રેસ એ જ યોગેશ પટેલ ની જંગી લીડ નો પાયો નાંખી આપ્યો હતો.

સયાજીગંજ બેઠક પણ ખૂબ ચર્ચા માં રહી કારણ કે અહીં સતત ત્રણ ટર્મ થી વિજેતા જીતુ સુખડીયા એ ઉંમર ના કારણે સ્વેચ્છાએ હવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી હતી પરંતુ 60 થી વધુ દાવેદારો એ સયાજીગંજ બેઠક લડવા ઈચ્છા દર્શાવતા ભાજપ મોવડીઓને ચક્કર આવી ગયા હતા, જોકે અંતે લાંબા મંથન બાદ મેયુર કેયુર રોકડીયા પર પસંદગી નો કળશ ઢોળાયો અને તેઓ 80 હજાર થી વધુ મતો ની લીડ સાથે વિજેતા થયા,કેયુર રોકડીયા મેયર પદ છોડી અન્ય ને તક આપે છે કે કેમ તે જોવું રહ્યું જોકે કેયુર રોકડીયા કહે છે આ અંગે પાર્ટી નિર્ણય લેશે

 

80 હજાર થી વધુ લીડ વાળી બેઠક રહી રાવપુરા બેઠક, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નું પત્તુ કાપી પૂર્વ સાંસદ અને પૂર્વ મેયર બાલકૃષ્ણ શુક્લ આ બેઠક પરથી 80 હજાર મતો થી વિજેતા થયા હતા.  પીએમ મોદીની નજીક મનાતા બાલકૃષ્ણ શુક્લ નવી સરકારના મંત્રી મંડળ નો એક ચહેરો બની શકે.

સાવલી બેઠક પર ભાજપ ના ઉમેદવાર કેતન ઇનામદાર ને ડેરીનુ રાજકારણ ફળ્યું,પશુપાલકોના મુદ્દે આપેલી લડત પણ કદાચ ફળી પરંતુ, ચૂંટણીઓ પૂર્વજ ભાજપ છોડી કોંગ્રેસ માં ગયેલા વડોદરા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી ની કારમી હાર થઈ.

અકોટા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય સીમા મોહિલે નું પત્તુ કાપી જ્યારે નવા ચહેરા ચૈતન્ય દેસાઈ જેવા યુવા અને નવા ચહેરા નું નામ જાહેર થયું ત્યારે કહેવાતું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જનસંઘના પોતાના જુના સાથી અને જનતા પાર્ટી સરકાર ના મંત્રી મકરંદ દેસાઈ નું ઋણ અદા કર્યું, ચૈતન્ય દેસાઈ મકરંદ દેસાઈ ના પુત્ર છે અને બે વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે.આ બેઠક પર કોંગ્રેસે શહર પ્રમુખ ઋત્વિજ જોષી ને મેદાને ઉતાર્યા હતા જેઓ કાઈ ખાસ ઉકાળી શકયા નહીં

વડોદરાની શહેર બેઠક પરથી વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલનો વિજય થયો તો કરજણ બેઠક પરથી અક્ષય પટેલ બીજી વાર ચૂંટાયા,2017 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજેતા અક્ષય પટેલ ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયાના તીવ્ર વિરોધ છતાં આ વખતે વિજેતા બન્યા છે. વડોદરા એ ભાજપ ને 10 માંથી 9 બેઠકો આપી ફરી એકવાર પુરવાર કર્યું છે કે વડોદરા એ મધ્ય ગુજરાત માં ભાજપ નો મજબૂત ગઢ બની રહેશે, જોવાનું હવે એ છે કે 9 વિજેતા ઓ માંથી કોણ નવી સરકાર માં મંત્રી પદ શોભાવે છે.

(12:13 am IST)