Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

દિલ્હીમાં લોકડાઉન લગાવવાનો કોઈ જ પ્લાન નથી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

લોકોની રોજી રોટી ચાલતી રહેવી જોઈએ : સીએમ : હું તમામ લોકોને અપીલ કરૂ છું કે માસ્ક લગાવીને રાખે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી, તા.૯ : દેશની રાજધાની દિલ્હીમાં વધતા કોરોના આંતકને રોકવા માટે નિયમો આકરા બનાવવામાં આવ્યા છે.

રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં હાલ લોકડાઉન લગાવવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ તમામ લોકો માસ્ક લગાવીને રાખે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે.

સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે તમારી બધાની પ્રાર્થનાઓથી હું સ્વસ્થ થઈ ચૂક્યો છું. હું ૭-૮ દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યો. મને બે દિવસ સુધી તાવ હતો. હવે હું તમારી સેવામાં ફરીથી હાજર છું. દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસોને લઈને હું ચિંતિત છું. હોમ આઈસોલેશનમાં આ મુદ્દા પર તમામ અધિકારીઓના સંપર્કમાં હતો.

દિલ્હીમાં લોકડાઉન લગાવવા મુદ્દે સવાલ પુછતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે દિલ્હીમાં લોકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી. અમે લોકડાઉન લગાવવા માંગતા નથી. તમામ લોકોની રોજી રોટી ચાલતી રહેવી જોઈએ. પરંતુ તમામ લોકોને અપીલ કરું છું કે માસ્ક જરૂર લગાવો.

તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે (શનિવાર) દિલ્હીમાં કોરોના વાયરસના ૨૦ હજાર કેસ સામે આવ્યા હતા. જ્યારે ગત લહેરમાં જ્યારે ૭ મેના રોજ આટલા કેસ નોંધાયા હતા, તો ૩૪૧ મોત થયા હતા. પરંતુ ગઈકાલે માત્ર ૭ મોત નોંધાયા. મોતનો આંકડો પહેલાથી ઘણો ઓછો છે. જોકે અમે માનીએ છીએ કે એક પણ મોત ના થવા જોઈએ.

સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે પહેલા આટલા કેસ નોંધાય ત્યારે લગભગ ૨૦ હજાર લોકો હોસ્પિટલમાં દાખલ હતા, કાલે માત્ર દોઢ હજાર બેડ ભરેલા હતા. ઓમીક્રોન એટલો ખતરનાક નથી. આપણે બધાએ ગભરાવવાની જરૂર નથી, સાવધાની રાખવાની જરૂર છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમે લોકો માસ્ક પહેરવાનું રાખો. હોસ્પિટલમાં જવાની જરૂર ઓછી પડશે. જરૂરી ન હોય ત્યારે ઘરની બહાર ન નીકળો. અમે લોકડાઉન લાદવા માંગતા નથી. તેનાથી લોકોની રોજગારીમાં ફરક પડે છે. આવતીકાલે (સોમવારે) LG સાહેબ સાથે DDMA ની મીટિંગ છે. કેન્દ્ર સરકાર તરફથી પણ અમને સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. અમે પહેલા પણ કોરોનાને હરાવી ચૂક્યા છીએ અને આ વખતે પણ હાર આપીશું. જે લોકોએ રસી નથી લીધી તે પણ લગાવી દે..

(12:00 am IST)