Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજસ્થાનમાં વિકએન્ડ કર્ફ્યુ લાગુ: સ્કૂલો, કોલેજો બંધ: લગ્નમાં માત્ર ૫૦ લોકોને હાજર રહેવાની મંજૂરી: રાત્રે આઠ વાગે તમામ દુકાનો મોલ બંધ કરી દેવાના રહેશે: રવિવારે બધું બંધ

રાજસ્થાનમાં વધતા જતા કોરોના ને કાબૂમાં રાખવા વિકએન્ડ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે ૩૦ જાન્યુઆરી સુધી તમામ સ્કૂલો, કોલેજો બંધ કરી દેવામાં આવી છે. રાજસ્થાન અને ખાસ કરીને જયપુર અને જોધપુરમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે એક સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે.  નવી ગાઈડલાઈન મુજબ ૧૦૦ની જગ્યાએ માત્ર ૫૦ લોકો જ લગ્નમાં સામેલ થઈ શકશે.  સામેલ લોકો માટે ડબલ ડોઝ સાથે કોરોના રસીકરણ કરાવવું ફરજિયાત છે.

નવી ગાઈડ લાઈન મુજબ હવે તમામ સંસ્થાનો રાત્રે ૮ વાગ્યે બંધ કરવાની રહેશે.  આ સાથે તમામ બજારો અને શોપિંગ મોલ પણ રાત્રે ૮ વાગ્યા સુધી બંધ રાખવાના રહેશે.  શનિવારે રાત્રે ૧૧ વાગ્યાથી સોમવારે સવારે ૫ વાગ્યા સુધી તમામ બજારો, વેપારી સંસ્થાઓ બંધ રાખવાની રહેશે.  એટલે કે રવિવારે બધું બંધ રહેશે.  રેસ્ટોરન્ટ સંચાલકોને બેઠક વ્યવસ્થાના ૫૦% સુધી ગ્રાહકોને સમાવવાની મંજૂરી આપવામાં આવશે.  ઉપરાંત, રસીના ડબલ ડોઝ લાગુ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

લોહરી અને સંક્રાંતિ નો તહેવાર ઘરમાં રહીને જ ઉજવવો પડશે
રાજસ્થાનમાં નવી માર્ગદર્શિકા ૧૧ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધી અમલી  રહેશે. આવી સ્થિતિમાં જાન્યુઆરીમાં બે મોટા તહેવારો આવી રહ્યા છે.  લોહરી ૧૩ જાન્યુઆરીએ અને મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરીએ છે.  રાજ્ય સરકારે રાજ્યના લોકોને લોહરી અને મકરસંક્રાંતિનો તહેવાર ઘરે રહીને ઉજવવાની અપીલ કરી છે.  તે જ સમયે, ૬૫ વર્ષથી વધુ વયના વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને ૧૪ વર્ષ સુધીના બાળકોને તાત્કાલિક કામ વિના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

(12:00 am IST)