Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાહતના સમાચાર

વાહ ભૈ વાહ.. કોરોનાની ત્રીજી લહેરમાં નહિ થાય બીજી લહેર જેવા હાલ : મોત ૬૦૦ ટકા જેટલા ઓછા

નવી દિલ્હી,તા. ૧૦ : ઓમીક્રોનના કારણે કોરોનાની ત્રીજી લહેરના ફેલાવાની ગતિ બહુ જ વધારે છે પણ જો મોતના આંકડા જોવામાં આવે તો બીજી લહેરની સરખામણીમાં લગભગ ૬૦૦ ટકા ઓછા મોત નોંધાયા છે. પહેલી લહેરની સરખામણીમાં આ ઘટાડો લગભગ ૯૦૦ ટકાનો છે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી દિવસોમાં મોતમાં મામૂલી વધારો થઇ શકે છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં દરમ્યાન કોરોનાના ૧,૫૯,૬૩૨ નવા કેસ તથા ૩૨૭ મોત નોંધાયા છે. તેમાં ૨૪૨ મોત કેરળના એવા છે જે પહેલાના છે. જ્યારે કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩૩ મોત થયા છે. એટલે ખરેખર ગઇ કાલનો મોતનો આંકડો ફકત ૧૧૮ છે. ગયા વર્ષે જ્યારે કોરોનાની બીજી લહેર વધી રહી હતી. ત્યારે ૧૧ એપ્રિલ ૨૦૨૧ના દિવસે દેશમાં કોરોનાના ૧,૫૨,૮૭૯ નવા કેસ નોંધાયા હતા. તે દિવસે ૮૩૯ મોત થયા હતા જે છેલ્લા ૨૪ કલાકમાં થયેલ મોત કરતા ૬૦૦ ટકા વધારે હતા.

પહેલી લહેરમાં જો કે એક દિવસમાં અધિકતમ કેસ ૧ લાખથી નીચે જ રહ્યા હતા પણ મોતનો આંકડો ઉચો રહ્યો હતો. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૯૭,૫૭૦ નવા કેસ નોંધાયા હતા ત્યારે મોતની સંખ્યા ૧૨૦૧ હતી. જે ગઇ કાલે થયેલા મોત કરતા લગભગ ૯૦૦ ટકા વધારે હતા.

મેડીકલ નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના ઓછો ઘાતક છે તે ફેફસાને નુકસાન નથી પહોંચાડતો. એટલે હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઓછો છે જેથી મોત પણ ઓછા થયા છે. વર્ધમાન મહાવીર મેડીકલ કોલેજના પ્રોફેસર જુગલ કિશોરે કહ્યુ કે  ઓમીક્રોન સંક્રમિતો પાંચ-સાત દિવસમાં સાજા થઇ રહ્યા છે. અને ત્રીજી લહેરને દસ દિવસથી વધારે સમય થઇ ચૂકયો છે. પાછળ લહેરોની સરખામણી કરીએ તો દર્દીઓના મોત નવ-દસ દિવસ પછી પણ રહ્યા હતા. એટલે આશંકા છે કે આગામી દિવસોમાં હળવો વધતો થઇ શકે છે. પણ તે બીજી લહેરની સરખામણીમાં અત્યંત ઓછો હશે.

(10:27 am IST)