Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ બે ડિગ્રી : કાર પર છવાઇ બરફની ચાદર

અત્યારે માઇનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની મજા માણી રહ્યા છે : વૃક્ષોના પાંદડા પર પણ બરફ છવાયેલો જોવા મળ્યો

માઉન્ટ આબુ,તા. ૧૦:  ગુજરાતથી સૌથી નજીક અને રાજસ્થાનમાં આવેલા જાણીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ ૨ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેના કારણે ત્યાંનું જનજીવન પ્રભાવિત થયું છે. આ વખતે શિયાળામાં તાપમાન માઈનસમાં જતાં કાર પર ઠેરઠેર બરફની ચાદર પથરાઈ હતી અને વૃક્ષોના પાંદડા પર પણ બરફ છવાયેલો જોવા મળ્યો હતો. બીજી બાજુ કડકડતી ઠંડીથી બચવા માટે માઉન્ટ આબુના લોકો તાપણું કરતા જોવા મળ્યા હતા. ત્યારે કેટલાંક વિસ્તારોમાં વરસાદ પણ પડતા ઠંડીમાં વધારો થયો હતો.

અત્યારે માઈનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની મજા માણી રહ્યા છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઈનસ બે ડિગ્રીએ પહોંચ્યું છે. જેથી ત્યાં ગાડીઓ અને બગીચાઓમાં બરફ છવાયો હતો. ગઈકાલે શનિવારે સાંજથી તાપમાન ઘટવા લાગ્યું હતું. જેની અસર માઉન્ટ આબુમાં જોવા મળી હતી. જેથી અનેક વિસ્તારમાં પાણીના કુંડા અને ગાડી ઉપર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો.

અહીં નોંધનીય છે કે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. ૬.૯ ડિગ્રી સાથે રાજયમાં નલિયા વધારે ઠંડું બની ગયું છે. ત્યારે હવામાન વિભાગે કચ્છમાં પણ કોલ્ડવેવની આગાહી કરી છે. રાજયમાં ભુજ, કંડલા, અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વડોદરા, સુરત, નલિયા, ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેન્દ્રનગરમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઉત્ત્।ર ભારતમાં અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. કાશ્મીરથી લઈને ઉત્ત્।રાખંડ અને હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારોમાં પાછલા થોડાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાને કારણે પ્રવાસીઓ ખુશ થઈ ગયા છે અને ત્યાં સુંદર દ્રશ્યોની મજા માણી રહ્યા છે. ચારેબાજુ બરફની સફેદ ચાદર પથરાયેલી જણાઈ રહી છે. આ સમયે ફરવા ગયેલા ટૂરિસ્ટ ખુશ થઈ ગયા છે. જો કે હિમવર્ષાને કારણે સામાન્ય લોકોના જીવન પ્રભાવિત થયા છે. ફ્લાઈટ્સ પણ રદ્દ થઈ છે.

(10:28 am IST)