Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ ઠારઃ હથિયારો અને દારૂગોળો જપ્ત

૨૦૨૨ની શરૂઆતથી જમ્મુ-કાશ્મીરમાં કુલ ૭ એન્કાઉન્ટર જોવા મળ્યા છેઃ જેમાં ૧૩ આતંકવાદીઓ માર્યા ગયા છે

શ્રીનગર, તા.૧૦: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.

પોલીસ પ્રવકતાએ જણાવ્યું હતું કે જિલ્લાના હસનપુરા  ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું હતું. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં એટલે કે ૯ દિવસમાં ખીણમાં કુલ ૭ એન્કાઉન્ટર જોવા મળ્યા છે, જેમાં ૧૩ આતંકવાદીઓ માર્યા ગયા છે.

પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે બંને આતંકવાદીઓ સ્થાનિક હતા અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' સાથે સંકળાયેલા હતા. એટલું જ નહીં તે ઘણા આતંકવાદી ગુનાઓમાં પણ સામેલ હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે બંને આતંકીઓની ઓળખ શોપિયાંના આલમગંજના અમીર અહેમદ વાની અને પુલવામાના ટિકેનના સમીર અહેમદ ખાન તરીકે કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે વાની એક વર્ગીકૃત આતંકવાદી હતો. જોકે, માર્યો ગયેલો બીજો આતંકવાદી તાજેતરમાં જ આતંકવાદી જૂથમાં જોડાયો હતો. બંને દ્યણા આતંકવાદી ગુનાઓમાં સંડોવાયેલા જૂથનો ભાગ હતા. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું કે આતંકીઓ પાસેથી એક AK-૪૭ અને એક પિસ્તોલ મળી આવી છે.

પોલીસે કહ્યું કે તેમને આત્મસમર્પણ કરવાનો સંપૂર્ણ વિકલ્પ આપવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ ઉપરાંત સેનાની ૯ રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPF પણ આ ઓપરેશનનો ભાગ હતા. શ્રીનગરના શાલીમાર અને હરવાન વિસ્તારોમાં બે એન્કાઉન્ટરમાં એક 'કમાન્ડર' સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને માર્યા ગયાના ૨૪ કલાકની અંદર નવું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પહેલા ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે બડગામ જિલ્લાના જોલવા ગામમાં ગુરુવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

(10:54 am IST)