Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વિશ્વભરમાં ઓમીક્રોનનો આતંક : 24 કલાકમાં 22.39 લાખથી વધુ કેસ : કોરોનાનો વધુ એક વેરિઅન્ટ ડેલ્ટાક્રોનનો કેસ સાઈપ્રસમાં કેસ નોંધાયો

સાઈપ્રસમાં લેવાયેલા ૨૫ સેમ્પલ્સમાંથી ઓમિક્રોનના 10 મ્યુટેશન જોવા મળ્યા : દુનિયામાં કોરોનાના કુલ કેસ 30.66 કરોડ થયા : મૃત્યુઆંક પંચાવન લાખને પાર થઈ ગયો

નવી દિલ્હી :દુનિયામાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યા છે. દુનિયામાં 24 કલાકમાં કોરોનાના 22.39 લાખથી વધુ કેસ નોંધાયા હતા જ્યારે 5,000થી વધુ કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે દુનિયામાં કોરોનાના કુલ કેસ 30.66 કરોડ થયા છે અને મૃત્યુઆંક પંચાવન લાખને પાર થઈ ગયો છે

કોરોના વાઈરસના એક પછી એક વેરીઅન્ટે આખી દુનિયાની ઊંઘ ઉડાડી દીધી છે. બીજી લહેરમાં ભારત-દુનિયાને સૌથી વધુ નુકસાન કરનારા ડેલ્ટા વેરિઅન્ટમાંથી માંડ બહાર આવેલા વિશ્વ પર ઓમિક્રોનનું જોખમ તોળાઈ રહ્યું છે. પરંતુ હવે કોરોનાનો વધુ એક વેરિઅન્ટ ડેલ્ટાક્રોનનો કેસ સાઈપ્રસમાં સામે આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ સાઈપ્રસમાં કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ડેલ્ટાક્રોન સામે આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ડેલ્ટાક્રોનનું જીનેટિક બેકગ્રાઉન્ડ ડેલ્ટા વેરિઅન્ટને સમાન છે. સાથે જ તેમાં ઓમિક્રોન જેવા કેટલાક મ્યુટેશન પણ છે. તેથી તેને ‘ડેલ્ટાક્રોન’ કહેવાય છે. જોકે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આ વાઈરસ ચિંતાજનક નથી. સાઈપ્રસમાં લેવાયેલા ૨૫ સેમ્પલ્સમાંથી ઓમિક્રોનના 10 મ્યુટેશન જોવા મળ્યા છે.

 

અમેરિકામાં કોરોનાના નવા 4.68 લાખથી વધુ કેસ નોંધાયા હતા જ્યારે વધુ 669નાં મોત થયા હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ 6.09 કરોડને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક 8.59 લાખને પાર થયો હતો. બ્રિટનમાં કોરોનાના નવા 1.41 લાખ, ઈટાલીમાં નવા 1.55 લાખ કેસ નોંધાયા હતા.

(12:19 pm IST)