Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કાશી વિશ્વનાથ ધામ પરિસરમાં ઉઘાડા પગે કામ કરનારાઓ માટે વિશિષ્ટ શણના પગરખાં પહેરશે

વડાપ્રધાન મોદીના નિર્દેશ પર મંદિરમાં આ પ્રકારની પહેલ કરાઈ :ઠંડીમાં સીઆરપીએફના જવાનો ,પોલીસ, પુજારી, સેવાદાર અને સફાઈકર્મીઓ ઉઘાડા પગે નોકરી કરે છે

નવી દિલ્હી :શ્રીકાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ડ્યુટી કરનારાઓ હવે શણના પગરખાં પહેરીને કામ કરશે. ઠંડીને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં ડ્યુટી કરનારાઓને રવિવારે પગરખાંઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના નિર્દેશ પર મંદિરમાં આ પ્રકારની પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાનને જાણવા મળ્યું હતું કે, ઠંડીમાં પણ સીઆરપીએફના જવાનો, પોલીસ, પુજારી, સેવાદાર અને સફાઈકર્મીઓ ઉઘાડા પગે નોકરી કરે છે.

વડાપ્રધાન મોદીના નિર્દેશ બાદ તમામ કર્મચારીઓ માટે શણના 100 પગરખાં મોકલવામાં આવ્યા હતા. વિભાગીય કમિશનર દીપક અગ્રવાલે રવિવારે મંદિરમાં કામ કરી રહેલા શાસ્ત્રી, પુજારી, સીઆરપીએફના જવાનો, પોલીસકર્મી, સેવાદાર અને સફાઈકર્મીઓને પગરખાંનું વિતરણ કર્યું હતું. આ સાથે જ તેમણે હજું વધારે પગરખાં આવશે જેનું ફરજ પરના કર્મચારીઓમાં વિતરણ કરવામાં આવશે તેવી માહિતી આપી હતી.

કાશી વિશ્વનાથ મંદિરના કર્મચારીઓને ઠંડીમાં ઉઘાડા પગે કામ કરવાના કારણે જે મુશ્કેલીઓ પડી રહી હતી તેમાં હવે ઘણી હદ સુધી રાહત મળશે. કાશી વિશ્વનાથ ધામ પરિસરની અંદર આ પગરખાંઓનો ઉપયોગ કરવામાં આવશે.

મંદિર પરિસરમાં ચામડા કે રબર વડે બનેલા જૂતા-ચંપલ પ્રતિબંધિત છે. અધિકારીઓએ જણાવ્યું કે, ચાખડી (લાકડાંના પગરખાં) પહેરીને કામ કરવું સૌ માટે શક્ય નથી. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ કર્મચારીઓને આ પ્રકારના શણના પગરખાં મોકલ્યા છે.

(12:21 pm IST)