Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કોંગ્રેસ નેતા શશી થરુરે કેન્દ્ર પર પ્રહાર કરવા નવો શબ્દ શોધ્યો : હવે ટ્વિટર પર ‘એનોક્રેસી’ શબ્દનો ઉપયોગ કર્યો

અર્થ સમજાવતા શશિ થરૂરે લખ્યું હતું કે, ‘એક એવી સરકાર જે લોકશાહીમાં નિરંકુશતાને સાથે લઈને ચાલે છે

નવી દિલ્હી : પોતાના અંગ્રેજી ભાષાના જ્ઞાનને લઈ ખૂબ જ પ્રચલિત એવા કોંગ્રેસી સાંસદ શશિ થરૂર ઘણી વખત એવા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે જેનાથી મોટા ભાગના લોકો અજાણ હોય છે. ત્યાર બાદ તેઓ તેવા શબ્દનો અર્થ પણ જણાવતા હોય છે. આ વખતે તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધવા માટે ટ્વિટર પર એક નવા શબ્દનો ઉપયોગ કર્યો છે, ‘એનોક્રેસી’. તેનો અર્થ સમજાવતા શશિ થરૂરે લખ્યું હતું કે, ‘એક એવી સરકાર જે લોકશાહીમાં નિરંકુશતાને સાથે લઈને ચાલે છે

કેરળના તિરૂવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે જણાવ્યું કે, ભારતમાં હવે એક શબ્દ, એનોક્રેસી શીખવો શરૂ કરી દેવો જોઈએ. તેમણે જણાવ્યું કે, સરકારનું એક રૂપ જે નિરંકુશ હોવાની સાથે લોકતાંત્રિક પણ હોય છે, જે ચૂંટણીની મંજૂરી આપે છે પરંતુ વિપક્ષી દળો અને અન્ય સંસ્થાઓને પ્રતિસ્પર્ધાની સામાન્ય મંજૂરી આપે છે, અને ખૂબ મુશ્કેલીથી જવાબદારી સાથે કામ કરે છે.

આ કંઈ પહેલી વખત નથી જ્યારે શશિ થરૂરે પોતાના શબ્દકોશમાંથી આવો નવો અને વિચિત્ર શબ્દ કાઢ્યો હોય. અગાઉ તેમણે ટ્વિટર પર ‘એલોડોક્સાફોબિયા’ અને ‘પોગોનોટ્રોફી’ જેવા અંગ્રેજી શબ્દો શેર કર્યા હતા અને તેનો અર્થ જણાવ્યો હતો.

શશિ થરૂરે એલોડોક્સાફોબિયાનો અર્થ કહ્યો હતો કે, વિચારોનો નિરર્થક ડર. કોંગ્રેસી નેતાએ આ શબ્દના ઉપયોગનું ઉદાહરણ આપતા લખ્યું હતું કે, ‘યુપીમાં ભાજપ સરકાર લોકો પર દેશદ્રોહ અને યુએપીએના કેસ એટલા માટે થોપે છે કારણ કે, તેનું નેતૃત્વ એલોડોક્સાફોબિયાથી ગ્રસ્ત છે.’

આ શબ્દનો અર્થ અને વિસ્તાર સમજાવતા થરૂરે જણાવ્યું કે, ગ્રીક શબ્દ Alloનો અર્થ છે ડિફરન્ટ કે ભિન્ન જ્યારે doxoનો અર્થ થાય ઓપિનિયન કે મંતવ્ય અને phobosનો અર્થ છે ફીઅર કે ડર. આ શબ્દના પ્રયોગ બાદ અનેક લોકોએ થરૂરને અંગ્રેજીના ટીચર કહ્યા હતા.

 

થરૂરે પોગોનોટ્રોફી શબ્દનો અર્થ જણાવતા કહ્યું હતું કે, તેઓ પોતાના મિત્ર પાસેથી એક નવો શબ્દ શીખ્યા છે પોગોનોટ્રોફી, જેનો અર્થ થાય દાઢી વધારવી. તેમણે વડાપ્રધાન મોદી પર પરોક્ષરૂપે કટાક્ષ કરીને આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ કોરોના કાળમાં દાઢી ખૂબ જ વધારી હતી.

અગાઉ પણ તેમણે ‘ફૈરાગો’ એટલે કે એક ભ્રમિત મિશ્રણ અને ‘ટ્રોગ્લોડાઈટ’ એટલે કે, એક વ્યક્તિ જેને જાણીજોઈને અજ્ઞાની કે જૂના જમાનાનો માનવામાં આવે છે, આવા શબ્દોનો ઉપયોગ કરીને સૌને હેરાન કરી મુક્યા હતા.

(1:30 pm IST)