Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ડ્રોન વડે ડિલિવરીઃ હવેથી ભોજન મગાવશો તો ડ્રોન આપવા આવશેઃ આ ૫ શહેરોમાં પૂરી થઈ તૈયારી

ડિલિવરીમાં જેટલા પણ ડ્રોન ઉતારવામાં આવી રહ્યા છે તે સૌમાં સ્માર્ટ લોકર હશે

નવી દિલ્હી, તા.૧૦: જો તમે સ્વિગી કે ઝોમેટો પરથી ભોજન ઓર્ડર કરો અને થોડા સમય બાદ તમારી બારીએ ડ્રોન ટકોરા મારે તો ચોંકતા નહીં. ટૂંક સમયમાં જ આ વિચાર વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, તમે કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર પરથી સામાન ઓર્ડર કરશો તો તેને તમારા ઘરે પહોંચાડવા માટે પણ ડ્રોન આવી શકે છે. છેવાડાની જગ્યાઓ સુધી ડ્રોન વડે ડિલિવરી કરવા માટે કંપનીઓ પોતાના તરફથી સંપૂર્ણપણે તૈયારી કરી રહી છે.

લાસ્ટ માઈલ ડિલિવરી કંપની Zypp Electricએ ગત સપ્તાહે જણાવ્યું કે, તે ડ્રોન લોજિસ્ટિકસ સેકટરમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અત્યાર સુધી ઈલેકિટ્રક વ્હીકલ વડે ડિલિવરી કરી રહેલી કંપનીએ ડ્રોન વડે સામાન પહોંચાડવા માટે TSAW Drones સાથે હાથ મિલાવ્યો છે. કંપની હાલ પહેલા ફેઝમાં માર્કેટમાં ૨૦૦ ડ્રોન ઉતારવા જઈ રહી છે. આ ડ્રોન હાલ દિલ્હી-એનસીઆર, બેંગલુરૂ, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં ડિલિવરી કરશે.

ઉલ્લેખનીય છે કે, TSAW Drones ડિલિવરી કરવા માટેના ડ્રોન ડેવલપ કરે છે. કંપની પહેલેથી જ અનેક ડ્રોન તૈયાર કરી ચુકી છે જેને ખાસ રીતે ડિલિવરી માટે જ ડેવલપ કરવામાં આવેલા છે. કંપનીની વેબસાઈટ પર ડિલિવરી ડ્રોનના ૨ મોડલની જાણકારી આપવામાં આવેલી છે. પહેલું મોડલ Maruthi ૨.૦ છે જે ઓછા અંતરની ડિલિવરી (૪૦ કિમી રેન્જ) માટે છે. જયારે બીજું ડ્રોન Adarnaના ડિલિવરી રેન્જ ૧૧૦ કિમી સુધીની છે. આ બંને મોડલ ૫ કિગ્રા સુધીનું વજન ઉંચકી શકે છે.

Zypp Electricએ જણાવ્યું કે, હાલ ડિલિવરીમાં જેટલા પણ ડ્રોન ઉતારવામાં આવી રહ્યા છે તે સૌમાં સ્માર્ટ લોકર હશે. ડિલિવરી મગાવનારા ગ્રાહકો પાસે એક ઓટીપી જશે જેને નાખીને સ્માર્ટ લોકર ખોલી શકાશે. તેના કારણે ડિલિવર થઈ રહેલા સામાનની સુરક્ષા સુનિશ્યિત થશે. ડ્રોન વડે ડિલિવરી શરૂ થશે તો લોકોના સમયની પણ ભારે બચત થશે.

આ ડ્રોન ફકત રિમોટ લોકેશન જ નહીં પણ શહેરોના એપાર્ટમેન્ટમાં પણ ડિલિવરી આપશે. તે પોતાની જાતે લોકેશન ટ્રેક કરવાની ટેકનોલોજીથી સજ્જ હશે. તે સિવાય ડિલિવરી ડ્રોનમાં રિમોટ-આઈડી અને ડિટેકટ એન્ડ અવોઈડ જેવી ન્યૂ એજ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. તે ડ્રોનને રસ્તામાં કોઈ ઉડતી વસ્તુ કે, કોઈ બિલ્ડિંગ વગેરે સાથે અથડાતાં બચાવશે. હાલ આ સુવિધા મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં શરૂ થશે. સાંકડી ગલીઓમાં ડ્રોન ઓપરેટ કરવામાં મુશ્કેલી પડી શકે છે. મહોલ્લામાં ડ્રોન વડે ડિલિવરી કરવામાં સૌથી મોટી અડચણ તાર-કેબલની જાળ છે.

(3:53 pm IST)