Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

યુપીમાં ભયંકર દુર્ઘટનાઃ બુટરાડા ખાતે ફટાકડાંની ફેક્‍ટરીમાં વિસ્‍ફોટઃ અનેક મજૂરોના ચીંથરા ઉડ્‍યા

નવી દિલ્‍હી,તા. ૧૦ :  ઉત્તર પ્રદેશના શામલી ખાતે બુટરાડા ગામ સ્‍થિત ફટાકડાંની ફેક્‍ટરીમાં સોમવારે બપોરના સમયે ભીષણ વિસ્‍ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અનેક મજૂરોના મોત થયા હોવાનું સામે આવ્‍યું છે. આ દુર્ઘટના અંગે જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી અને તપાસ ઉપરાંત રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જાણવા મળ્‍યા મુજબ વિસ્‍ફોટ એટલો પ્રચંડ હતો કે, ત્‍યાં કામ કરી રહેલા અનેક મજૂરોના શરીરોના ચીંથરા ઉડી ગયા હતા.
ભીષણ વિસ્‍ફોટના કારણે આજુબાજુના વિસ્‍તારો પણ ધણધણી ઉઠ્‍યા હતા અને લોકોએ તે સ્‍થળે દોટ મુકી હતી. આ ઉપરાંત ગ્રામીણોએ પોલીસને પણ સૂચના આપી હતી. પોલીસે જણાવ્‍યું કે, ફટાકડાં બનાવતી વખતે ફેક્‍ટરીમાં વિસ્‍ફોટ થયો છે. વિસ્‍ફોટના કારણે અનેક મજૂરોના શરીરના ચીંથરા ઉડીને દૂર જઈને પડ્‍યા હતા તેના પરથી જ દુર્ઘટનાની ભંયકરતા જણાઈ આવે છે.
બુટરાડા નિવાસી રિઝવાન પાસે ફુલઝરી બનાવવાનું જ લાઈસન્‍સ છે અને તેની આડશમાં તે ગેરકાયદેસર રીતે ફટાકડાં બનાવવાનું કામ કરતો હતો. આજે બપોરે ૧ વાગ્‍યા આસપાસના સમયે અનેક મજૂરો ફટાકડાં બનાવી રહ્યા હતા તે સમયે અચાનક જ ભીષણ વિસ્‍ફોટ થયો હતો. અનેક મજૂરોના મળતદેહ કાટમાળ નીચે દટાઈ ગયા છે અને સવારથી કેટલા લોકો કામ કરી રહ્યા હતા તેની જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે.

 

(4:12 pm IST)