Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કઝાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા અંગેનું આંદોલન હિંસક : ૧૭૦ લોકોનાં મોત: ૮૦૦૦ લોકોની ધરપકડ

સુરક્ષાદળોના ૨૦ જેટલાં જવાનો પણ હિંસામાં માર્યા ગયા રશિયાએ હિંસાના કાબૂમાં લેવા માટે ૨૫૦૦ સૈનિકોને તૈનાત કર્યા

નવી દિલ્હી :  કઝાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા મુદ્દે શરૂ થયેલું આંદોલન વધુને વધુ હિંસક બનતું જાય છે. હિંસામાં ૧૭૦ લોકોનાં મોત થયા છે. હિંસાના આરોપ હેઠળ સરકારે ૮૦૦૦ લોકોની ધરપકડ કરી છે. સુરક્ષાદળોના ૨૦ જેટલાં જવાનો પણ હિંસામાં માર્યા ગયા છે. રશિયાએ હિંસાના કાબૂમાં લેવા માટે ૨૫૦૦ સૈનિકોને તૈનાત કર્યા છે.

પ્રદર્શનકારીઓની માગણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન સહિત આખા મંત્રાલયે રાજીનામા આપી દીધા હતા છતાં હિંસા અટકી ન હતી. પ્રમુખ તોકોયેવે હિંસક પ્રદર્શનકારીઓને ઠાર કરવાનો વિવાદાસ્પદ આદેશ આપ્યો હતો. તેના કારણે વધુ ૧૭૦ પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે.
પ્રમુખ તોકોયેવની વિનંતી પછી રશિયાએ પાડોશી દેશમાં શાંતિસૈનિકો તૈનાત કર્યા છે. કઝાકિસ્તાનમાં ઠેર-ઠેર રશિયન સૈનિકો તૈનાત થઈ ગયા છે. લગભગ ૨૫૦૦થી ૩૦૦૦ રશિયન સૈનિકો હિંસા કાબૂમાં લેવા પ્રયાસો કરે છે. તે ઉપરાંત કઝાકિસ્તાનના સુરક્ષાજવાનો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની કોશિશ કરે છે. સામ-સામે ઘર્ષણમાં પોલીસ જવાનો પણ માર્યા ગયા છે.
કઝાકિસ્તાનના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે આ હિંસામાં વિદેશી સંગઠનોનો હાથ હોવાની પૂરી શક્યતા છે. જે લોકો પ્રદર્શન કરી રહ્યા છે એ પ્રદર્શનકારીઓ નથી, પરંતુ આતંકવાદીઓ છે. જે વિદેશી શક્તિના ઈશારે દેશમાં હિંસા ભડકાવે છે. અગાઉ પ્રમુખ તોકોયેવ પણ પ્રદર્શનકારીઓને આતંકવાદી ગણાવી ચૂક્યા છે અને તેને ઠાર કરવાનો આદેશ આપી ચૂક્યા છે.
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે કઝાકિસ્તાન-ભારત વચ્ચે દ્વિપક્ષીય સહયોગ છે. તેથી ભારતીયોના સંદર્ભે ભારત સરકારે કઝાકિસ્તાનની સરકાર સાથે વાત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતુંઃ કઝાકિસ્તાનની બદલાયેલી સ્થિતિ પર ભારતની ખાસ નજર છે. જેમના મૃત્યુ થયા છે એ તમામ લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના છે. ભારત-કઝાકિસ્તાન વચ્ચે સુમેળભર્યા રાજદ્વારી સંબંધો છે. ભારતીય નાગરિકોની સલામતિ માટે સરકાર કટિબદ્ધ છે. તમામ ભારતીય નાગરિકો દૂતાવાસના સંપર્કમાં રહે તે જરૃરી છે.
કઝાકિસ્તાનની સ્થિતિ અંગે યુનાઈટેડ નેશન્સ પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. કઝાકિસ્તાનની વચગાળાની સરકાર આકરા પગલાં ભરવાને બદલે વચ્ચનો માર્ગ કાઢે એવી સલાહ પણ ઘણાં દેશોએ આપી છે.

(11:35 pm IST)