Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દેશના 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ મોત નહીં

દેશનો રિકવરી રેટ 97.20 ટકા થયો : અમેરિકા, બ્રિટન, રશિયા, બ્રાઝિલ અને જર્મનીનો રિકવરી રેટ ભારત કરતા ઓછો

નવી દિલ્હી : દેશના 15 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી. સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા પણ છે, જ્યાં છેલ્લા સાત અઠવાડિયામાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ સમાચાર ભારત માટે ઘણા રાહતના છે. એક સમયે કોરોના મહામારીના વિકરાળ સ્વરુપનો સામનો કરા રહેલા ભારતમાં હવે કોરોનાના વળતા પાણી થયા છે.

એક તરફ દેશમાં કોરોના વાયરસ સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ કોરોના કેસ અને તેના કારણે થતા મૃત્યુમાં ઘટાડો થયો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંચત્રાલયના સચિવ રજેશ ભૂષણ દ્વારા મંગળવારે આ માહિતિ આપવામાં આવી છે.

ભારતમાં દરરોજ આવતા કોરોના કેસમાં પણ ઘટાડો થયો છે. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસના પ્રતિદિન આવતા કેસમાં ઘટાડો અને લોકોના સાજા થવાના દરમાં વધારો થયો છે. જેના કારણે સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા ઘટી છે. મંત્રાલયે જણાવ્યું કે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં કોરોના વાયરસના કારણે દરરોજ થતા મોતની સરેરાશ સંખ્યા 211 હતી, જ્યારે ફેબ્રુઆરીમાં આ સંખ્યા ઘટીને 96 થઇ છે. એટલે કે આ સંખ્યામાં 55 ટકનો ઘટાડો થયો છે.

ભારતમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 1.43 લાખ થઇ છે, જે કોરોનાના કુલ કેસની સરખામણીએ માત્ર 1.32 ટકા જ છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ 14016 દર્દીઓ સાજા થયા છે. દેશનો રિકવરી રેટ 97.20 ટકા થયો છે, જે વિશ્વમાં સૌથા વધારે રિકવરી રેટમાંનો એક છે. અમેરિકા, બ્રિટન, રશિયા, બ્રાઝિલ અને જર્મનીનો રિકવરી રેટ ભારત કરતા ઓછો છે.

(12:00 am IST)