Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પતંજલિને ૧ કરોડનો દંડ

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)એ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૮નું પાલન ન કરવા બદલ બાબા રામદેવની પતંજલિ બેવરેજ પ્રા.લિ. પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પતંજલિ પેય પ્રાઈવેટ લિમિટેડને ૩ ફેબ્રુઆરીએ CPCBના અધ્યક્ષ શિવદાસ મીનાનો પત્ર મળ્યો છે. પત્રમાં જણાવાયું છે કે કંપનીએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (PWM) ના નિયમ ૨૦૧૬ ના કલમ ૯ વિસ્તૃત ઉત્પાદક જવાબદારીના સિદ્ઘાંતનું ઉલ્લંઘન કર્યું છે.પીડબ્લ્યુએમ નિયમ ૨૦૧૬ ના કલમ ૯ (૧) હેઠળ ઉત્પાદકો, આ નિયમોના પ્રકાશનની તારીખથી છ મહિનાની અવધિમાં, વિસ્તૃત ઉત્પાદકની જવાબદારીના આધારે વેસ્ટ કલેકટ કરવાની પદ્ઘતિની કામગીરી પર કામ કરશે. નિયમ ૯ (૨) હેઠળ મલ્ટિલેયર પ્લાસ્ટિક સેચેટ્સ, પાઉચ અને પેકેજિંગના કલેકશનની જવાબદારી ઉત્પાદક, ઉત્પાદનોને બજારમાં લાવનાર અને બ્રાન્ડના માલિકની રહે છે. એક નિયમ તરીકે, તેઓએ તેમના ઉત્પાદનોને કારણે પેદા થતા પ્લાસ્ટિકના વેસ્ટને ફરીથી એકત્રિત કરવા માટે એક સિસ્ટમ બનાવવી પડશે.પતંજલિના પ્રવકતા એસ.કે. ટિજારીવાલાએ કહ્યું કે અમે આ મામલે અત્યારે કોઈ ટિપ્પણી કરી શકતા નથી કારણ કે અમે હજુ વિગતો જાણી રહ્યા છીએ. સીપીસીબીએ કંપનીને જવાબ આપવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે.

(11:33 am IST)