Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કોરોનાની વિદાય વેળા આવી ગઇ...

૧૫ રાજ્યોમાં ૨૪ કલાકમાં કોઇ મોત નથી

નવી દિલ્હી તા. ૧૦ : ભારત કોરોના મહામારી સામેની લડાઈ તબક્કાવાર જીતી રહ્યું છે. દેશમાં વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન શરૂ થયાના ૨૫ દિવસમાં ૬૫.૨૮ લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ છે, જેમાંથી ૯૭ ટકા લોકો રસીકરણથી સંતુષ્ટ છે. વધુમાં દેશના ૧૫ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં તથા સાત રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રણ સપ્તાહમાં કોરોનાથી એક પણ વ્યકિતનું મોત નીપજયું નથી. આ સાથે દેશમાં કોરોનાના નવા કેસ અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. વિશ્વમાં કોરોનાના વધુ ઘાતક દક્ષિણ આફ્રિકન પ્રકાર અંગે ચિંતાનું મોજું ફેલાયું છે ત્યારે ભારતમાં કોરોનાના આ પ્રકારનો એક પણ કેસ નોંધાયો નથી તેમ નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી. કે. પૌલે કહ્યું હતું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, દેશમાં આંદામાન-નિકોબાર ટાપુઓ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, દાદરા-નગર હવેલી, મિઝોરમ, નાગાલેન્ડ અને લક્ષદ્વિપ એમ સાત રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત થયું નથી. એ જ રીતે દિલ્હી અને રાજસ્થાન સહિત દેશના ૧૫ રાજયોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.

(11:34 am IST)